Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

જનરલ મોટર્સના અડધો લાખ કર્મચારીઓની હડતાલઃ પ્લાન્ટ-વેર હાઉસ ઠપ્પ

કરાર વૈકલ્પીક વ્યવસ્થા વગર અચાનક પુરો કરાતા ૧૨ વર્ષની સૌથી મોટી હડતાલ

ડેટ્રોઇટઃ અમેરિકામાં ઓટો સેકટરમાં મંદીના ડાકલા વાગવાનું શરૂ થયું છે. દેશની કાર બનાવતી સૌથી મોટી કંપની જનરલ મોટર્સમાં ૧૨ વર્ષ બાદ મોટી હડતાલ પડી છે. જનરલ મોટર્સની સામે યુનાઈટેડ ઓટો વકર્સ(યુએડબલ્યુ) શ્રમિક સંગઠને સોમવારે દેશવ્યાપી હડતાલ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર કર્મચારીઓના પગાર અને શરતોના મુદ્દે યુનિયનની સાથે જનરલ મોટર્સની વાટાદ્યાટો નિષ્ફળ રહેતા ૪૯,૦૦૦  કરતાં પણ વધારે કર્મચારીઓએ કામ બંધ કરી દીધું છે. શ્રમિકોની હડતાલને પગલે કંપનીના લગભગ ૩૩ પ્લાન્ટ અને ૨૨ વેરહાઉસ સૂમસામ બન્યાં હતાં.

 જનરલ મોટર્સે શ્રમિક સંગઠન સાથેનો ચાર વર્ષનો કરાર કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા વગર અચાનક પૂરો કરી દેતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યાં હતા. યુએડબલ્યુએ ટ્વિટ કરીને કહ્યું કે સ્થાનિક શ્રમિક સંગઠનના નેતાઓએ ડેટ્રોએટમાં મુલાકાત કરી અને રવિવાર અડધી રાતથી હડતાલ પર ઉતરી જવાનો નિર્ણય કર્યો છે.

બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં સંગઠનના પ્રમુખ ટેરી ડિટેસે કહ્યું કે આ અમારો છેલ્લો પ્રયાસ છે. અમે આ દેશના લોકોના કામ કરવાના પ્રાથમિક હક માટે ઊભા છીએ.

હડતાલ શરૂ થતા પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું હતું કે જનરલ મોટર્સ અને યુનાઈટેડ ઓટો વકર્સની વચ્ચે ફરી એક વાર વિવાદ શરૂ થયો છે. બન્નેએ એક સાથે આવવું જોઈએ અને મામલાનો ઉકેલ લાવવો જોઈએ.

જનરલ મોટર્સે હડતાલ અંગે કહ્યું કે આ નિરાશાજનક છે કે યુએડબલ્યુ લીડરશિપે હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે. અમે કોન્ટ્રેકટ નેગોશિએશનમાં સારી ઓફર કરી હતી. વિદેશી મીડિયા આ હડતાલને ૧૨ વર્ષની સૌથી મોટી હડતાલ ગણાવી રહ્યાં છે. આ પહેલા ૨૦૦૭ માં જનરલ મોટર્સમાં મોટી હડતાલ પડી હતી. તે વખતે લગભગ ૭૩ હજાર કર્મચારીઓએ બે દિવસ કામ પર આવવાનો ઈન્કાર કરી દીધો હતો. 

(12:02 pm IST)