Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

માત્ર દંડ વધારવાથી માર્ગ અકસ્માતો ઓછા નહિ થાય

વાહન વ્યવહાર સરળતાથી ચાલે એવી વ્યવસ્થા કયાં છે દેશમાં ? : પરિવહન વ્યવસ્થા, ડ્રાઇવર ટ્રેનિંગ, માર્ગોની ડિઝાઇનના સુધારા જરૂરી છે : રોડ સેફટી બોર્ડની રચના પણ થઇ નથી

નવી દિલ્હી, તા. ૧૭ : વાહન વહેવારમાં શિસ્ત લાવવા માટે મોટર વ્હીકલ એકટમાં સુધારા દ્વારા મોટો દંડ એક માર્ગ છે પણ એ ત્યારે કે જયારે વાહન વહેવારને અવરોધ વગરનો બનાવવા માટેની પૂરી તૈયારી કરાઇ હોય. સંસદની સ્થાયી સમિતિ જ નહીં પણ પ્રધાનોના ગ્રુપ (જીઓએમ)એ પણ આ કાયદાના અમલીકરણ માટે દેશના આરટીઓ અને ટોલ પ્રણાલીના ડીજીટલીકરણ ઉપરાંત પરિવહન વ્યવસ્થા, ડ્રાઇવર ટ્રેનીંગ અને અકસ્માત માટે સંવેદનશીલ રોડની ડીઝાઇનોમાં ફેરફારના સૂચનો કર્યા હતા. આ મોરચા પર કોઇ ખાસ તૈયારી જોવા નથી મળી. એટલે ખાલી દંડ વધારી દેવાથી અકસ્માત મુકત વાહન વહેવારની કોઇ શકયતાઓ નથી.

વિભાજન હાઇવે પર ધ્યાનમાં આવેલા એકસીડન્ટ બ્લેક સ્પોટસની સ્થિતિ જેમની તેમ છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે નેશનલ હાઇવે પર ૬પ૧ અને સ્ટેટ હાઇવે પર ૧૩૮ બ્લેક સ્પોટ મળીને કુલ ૭૮૯ બ્લેકસ્પોટ ઓળખી લેવાયા છે અને એવું કહેવાઇ રહ્યું છે કે તેના પર કામ થઇ રહ્યું છે, પણ ત્રણ વર્ષ પછી પણ કોઇ એવું નથી કહી શકતું કે હકીકતમાં અત્યાર સુધીમાં કેટલા બ્લેક સ્પોટને સરખા કરાયા છે. જયાં સૌથી વધારે અકસ્માતો થતા હોય તેવા રોડના પ૦૦ મીટરના ભાગને બ્લેક સ્પોટ કહેવાય છે. આ બધા બ્લેક સ્પોટનો સરવાળો કરવામાં આવે તો કુલ ર૯પ કિ.મી. લાંબો રોડ બનાવવા જેટલું કામ થાય. સામાન્ય રીતે નેશનલ હાઇવે ઓથોરીટી આટલા લાંબા રોડનું કામ ત્રણ વર્ષમાં પુરૃં કરી લે છે, પણ ચાર વર્ષ પછી પણ સ્પોટનું કામ પુરૂ નથી થઇ શકયું. આના માટે ૧૧૦૦ કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનો દાવો કરાયો હતો.

મજેદાર વાત એ છે કે હજુ આ કામ પુરૂ નથી થયું અને રોડ મંત્રાલયે બધા રોડ પરના બ્લેક સ્પોટ ઓળખીને તેને રીપેર કરી દીધાની જાહેરાત કરી દીધી છે. આના માટે વિશ્વ બેંકની મદદથી ૧ર હજાર કરોડ રૂપિયા ખર્ચવાનો દાવો કરાઇ રહ્યો છે. નેશનલ રોડ સેફટી બોર્ડ બનાવવાની દિશામાં પણ કોઇ કામ નથી થયું. ડ્રાઇવરની ટ્રેનિંગ માટે દરેક જીલ્લામાં એક ડ્રાઇવર ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટ ખોલવાની જાહેરાત થઇ હતી, પણ અત્યાર સુધીમાં ફકત ર૪ ને મંજૂરી મળી છે અને હકીકતમાં તો તેમાંથી ૧૬ ઇન્સ્ટીટયુટો જ ખૂલી છે. પાંચ વર્ષ પહેલા તેની સંખ્યા ૧૩ હતી. ઇસ્ટર્ન એકસપ્રેસ વે બનતાની સાથે રોડ મંત્રાલયે વાહનોની મેકસીમમ સ્પીડ લીમીટને વધારી દીધી છે, પણ કેમેરા અને મોનીટરીંગ તંત્રની અછતને કારણે ઓવર સ્પીડીંગના કેસ અને તેનાથી થતા અકસ્માતોની સંખ્યા વધી ગઇ છે. તેમની સ્થિતિ અત્યારે એવી છે કે ઓવરસ્પીડ સિવાયનું બધું ચેકીંગ અત્યારે મેન્યુઅલી થઇ રહ્યું છે જેના લીધે રોડ પર જામની સ્થિતિ ઉભી થાય છે.

આરટીઓ બાબતે રોડ પરિવહન પ્રધાન નીતિન ગડકરી અવાર નવાર કહેતા રહે છે કે તે દેશમાં ભ્રષ્ટાચારનો સૌથી મોટો અડ્ડો છે. સ્થાયી સમિતિએ મોટર વ્હીકલ એકટ લાગુ કરતા પહેલા ડ્રઇવીંગ લાયસન્સ અને આરસીનું નેશનલ અને રાજયનું રજીસ્ટર બનાવવાનું કહ્યું હતું, પણ કેન્દ્રીય સ્તરે 'વાહન' અને સારથી એપ વિકસીત કરવા છતાં આરટીઓના ઇલેકટ્રોનિક નેટવર્કીંગનું કામ પુરૂ નથી થયું. પરિણામે અત્યારે પણ એક જીલ્લાની આર.સી. અથવા ડીએલ બીજા જીલ્લામાં નથી બની શકતું. જયાં સુધી ભ્રષ્ટાચારનો સવાલ છે તો તેમાં એટલો જ ફેરફાર થયો છે કે હવે અરજદારોને બદલે દલાલો કોમ્પ્યુટર પર સવાલોના જવાબ આપે છે.

(11:08 am IST)