Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

જન્મ દિવસે ગુજરાતના મહેમાન બન્યા વડાપ્રધાનઃ નર્મદા ડેમમાં આવેલા નીરના શ્રીફળ-ચૂંદડી અર્પણ કરી વધામણા

નમામી દેવી નર્મદે.. PMના હસ્તે વધામણા

સરદાર સરોવર નર્મદા ડેમે તેની ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટી વટાવતાં સમગ્ર ગુજરાતમાં હરખની હેલીઃ જન ઉમંગ ઉત્સવ નમામિ દેવી નર્મદા મહોત્સવની ઉજવણીઃ વડાપ્રધાનની વિશેષ ઉપસ્થિતિઃ રિવર રાફટીંગ, બટરફલાય પાર્ક, જંગલ સફારી, ચિલ્ડ્રન પાર્ક સહિતની સાઇટની મુલાકાત લીધી : વિકાસકામોનું નિરિક્ષણઃ રાજયપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

કેવડિયા કોલોની, તા.૧૭: સરદાર સરોવર નર્મદા ડેમ તેની ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટી વટાવતા પીએમ નરેન્દ્રભાઇ મોદીએ આજે તેમના જન્મદિવસે નર્મદા નીરના વધામણા કર્યા હતા. જન ઉમંગ ઉત્સવ નમામિ દેવી નર્મદા મહોત્સવ અંતર્ગત તેમણે આ વધામણા કર્યા હતા. ૧૦૦ જેટલા બ્રાહ્મણોએ મોદીના હસ્તે નર્મદાજીની પંચોપચાર પૂજા કરાવી હતી. આ પૂજામાં નર્મદાજીની પુષ્પથી પૂજા, ધુપદીપ નૈવેદ્ય અને આરતી કરાવી હતી. આ પ્રસંગે રાજયપાલ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ સહિત મંત્રીમંડળના કેટલાક સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ પૂર્વે વડાપ્રધાન મોદીએ કેવડિયા કોલોની ખાતે ચાલતા વિવિધ વિકાસકાર્યોનું બારીકાઇથી નિરીક્ષણ પણ કર્યુ હતું અને સૂચનો પણ કર્યા હતા તેઓ બટરફલાઇ પાર્ક, રિવર રાફટીંગ કેકટર્સ પાર્ક, જંગલ સફરી, ચિલ્ડ્રન પાર્ક, ન્યુટ્રીશન પાર્કની પણ મુલાકાત લીધી હતી.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સવારે ગાંધીનગરથી કેવડિયા કોલોની આવી પહોંચતા મહાનુભાવોએ તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું ત્યારબાદ તેઓ ગરૂડેશ્વર સ્થિત દત્ત મંદિર ગયા હતા અને મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ત્યાર પછી તેઓએ વિવિધ વિકાસકાર્યોનું નિરિક્ષણ કર્યુ હતું.

વડાપ્રધાન મોદીએ આજે સવારે ૧૧ વાગ્યા બાદ આ પ્રસંગે જાહેરસભાને પણ સંબોધી હતી. જેમાં તેમણે નર્મદાને ગુજરાતની  જીવાદોરી ગણાવી ગુજરાતનું સપનું સાકાર થયાનું જણાવી સમૃધ્ધીના નવા દ્વાર ખુલ્યા હોવાનું જણાવ્યુ હતું.

નર્મદા ડેમ પ્રોજેકટ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સપનું રહ્યું છે. કેન્દ્ર સરકાર દરેક ઘર સુધી નળ દ્વારા પાણી પહોંચાડવાના મિશનને લઇને આગળ વધી રહી છે. જેમાં નર્મદા ડેમ વિશેષ ભૂમિકા ભજવે છે. તેમજ અહીંની ખાસ વાત એ છે કે અહીં વિકાસની સાથે-સાથે પર્યાવરણને પણ ખૂબ જ મજબૂત રીતે વિકસાવવામાં આવ્યું છે. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ તેની ઐતિહાસિક સપાટી ૧૩૮.૬૮ મીટરથી વધુ ભરાઇ ગયો છે. આ ઐતિહાસિક પળે મંગળવારે કેવડિયા કોલોની ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિશેષરૂપથી ઉપસ્થિત રહી 'નમામિ દેવી નર્મદે' મહોત્સવમાં સહભાગી બની નર્મદા નીરના વધામણા કરવા પધાર્યા છે.

વડાપ્રધાન હેલિકોપ્ટર દ્વારા કેવડિયા પહોંચ્યા હતા. આકાશમાંથી એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકનો ભવ્ય નજારો નિહાળ્યો હતો અને એનો વિડીયા પોતાના ટિવટર હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો. આ સ્મારક દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને પ્રથમ નાયબ વડાપ્રધાન ગૃહ પ્રધાન, સરદાર વલ્લભભાઇ પટેલને શ્રધ્ધાંજલી તરીકે છે.

વડાપ્રધાન મોદીની મુલાકાતને ધ્યાનમાં લઇને નર્મદા ડેમને ગઇકાલે રાતે રોશનીથી સુશોભિત કરવામાં આવ્યો હતો. સરદાર સરોવર નર્મદા ડેમ નિર્માણ થયા બાદ ૭૦ વર્ષમાં આ વખતે પહેલી જ વાર પૂરેપૂરો ૧૩૮.૬૮ મીટર સુધી ભરાઇ ગયો છ.ે

નર્મદા ડેમ ઇતિહાસમાં પહેલી જ વાર છલોછલ ભરાયો એની ખુશાલીમાં ગુજરાતભરમાં ઉજવણી કરવાનું ગુજરાત સરકારે નકકી કર્યુ છે. એ ઉજવણીમાં સહભાગી થવા માટે વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા છે અને નમામિ દેવી નર્મદે મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે.

વડાપ્રધાન મોદીના આજે જન્મદિવસ નિમિત્તે ગુજરાત તથા દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી ગઇ કાલે રાતે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા હતા.

એરપોર્ટ પર ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તથા અન્યોએ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત કર્યુ હતું. મોદીના સ્વાગત માટે એરપોર્ટ રોડને રોશનીથી શણગારવામાં આવ્યો હતો.

(3:25 pm IST)