Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

રૂપાણી સરકારનો નિર્ણય : ૧લી ઓકટોબરથી

હવેથી ડીજીટલ સ્ટેમ્પીંગ : પરંપરાગત સ્ટેમ્પ પેપરોનો યુગ હવે પૂરો થયો

૧લી ઓકટોબર ૨૦૧૯થી ગુજરાતભરમાં નોન જ્યુડીશીયલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ થશે : નાગરીકોએ ડીજીટલ સ્ટેમ્પીંગ સુવિધાનો ઉપયોગ કરવાનો રહેશે : લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, કોમન સર્વિસ સેન્ટર અને નોટરીની કચેરીઓમાં ઈ-સ્ટેમ્પની સુવિધા શરૂ થશે : નાગરીકોને દસ્તાવેજ પ્રક્રિયા વધુ સુરક્ષિત - સરળ અને ઝડપી બનશે : મહેસુલ મંત્રી કૌશિક પટેલની મોટી જાહેરાત : પરંપરાગત સ્ટેમ્પ પેપરોનો યુગ હવે પૂરો થયો : (અશ્વિન વ્યાસ, ગાંધીનગર  દ્વારા)

(અશ્વીન વ્યાસ)

      મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું છે કે, નાગરિકો ને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલીઓ તથા સ્ટેમ્પ વેન્ડર મારફતે વેચાતા પરંપરાગત સ્ટેમ્પ પેપરની કૃત્રિમ અછત ઉભી કરી સ્ટેમ્પ વેન્ડર દ્વારા વધુ કિંમત વસુલ કરી નાગરીકો ને છેતરવાનો પ્રયાસ થતો હોવાની રજૂઆતોને ધ્યાને લઇ થોડા સમય ૫હેલાં જ રાજ્ય સરકારે ડિઝીટલ સ્ટેમ્પીંગની સુવીધાનો વ્યાપ વધારવા મહત્વનો નિર્ણયને આગળ ધપાવતા રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કરી ૧લી ઓક્ટોબર ૨૦૧૯થી રાજ્યભર માં નોન જ્યુડીશ્યલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરના ઉપયોગને બંધ કરી ફક્ત ડિઝીટલ સ્ટેમ્પીંગની પધ્ધતિને અનુસરવા મહત્વનો નિર્ણય કર્યો છે.

 

      મહેસુલ મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, તત્કાલીક મુખ્યમંત્રીશ્રી અને હાલનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા નાગરીકોને પુરી પાડવામાં આવતી સેવાઓનો ટેક્નોલોજીનો મહતમ ઉ૫યોગ થાય તે માટે દેશભરમાં ડીજીટલ ઇન્ડિયાનો નવતર અભિગમ દાખવ્યો છે ત્યારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે મહેસુલી સેવાઓને વધુ સરળ બનાવવા અનેકવિધ નવા આયામો હાથ ધર્યા છે ત્યારે આ નિર્ણય નાગરીકો માંટે મહત્વનો પુરવાર થશે.

 

      મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, નાગરીકોને ૧લી ઓક્ટોબર ૨૦૧૯થી ફીઝીકલ સેવા બંધ થતા સ્ટેમ્પ મેળવવામાં કે સ્ટેમ્પ ડ્યુટની ચુકવણીમાં કોઇ તકલીફ ના પડેતે માટે ઇ-સ્ટેમ્પીંગની સુવીધાથી હવેથી શીડ્યુલ બેંકો, કેંદ્ર અને રાજય સરકારના નિયંત્રણ હેઠળની નાણાકીય સંસ્થાઓ કે એકમો પોસ્ટ ઓફિસ ઉપરાંત લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર, ચાર્ટડ એકાઉટન્ટ, કંપનિ સેક્રેટરી બંદર-પોર્ટ ખાતેનો સી એન્ડ એફ એજન્ટ, ઇ-ગવર્નસ પ્લાન હેઠળ કાર્યરત કોમન સવિર્સ સેન્ટર, આરબીઆઇ રજીસ્ટર્ડ નોન બેંકીગ ફાઇનાન્સીયલ કંપની અને લાયસન્સી નોટરી પૈકી જે વ્યકતીઓ-સંસ્થાઓ જે તે જિલ્લાની સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનની કચેરી ખાતે રજીસ્ટ્રેશન માટે અરજી કરી શકશે.

 

      સુપ્રિ.ઓફ સ્ટેમ્પ્સ દ્વારા આ વ્યક્તિઓ-સંસ્થાઓને ઇ-સ્ટેમ્પીંગના એસીસી (ઓથોરાઇઝડ કલેકશન સેન્ટર) તરીકેની નિમણુંકની ૫રવાનગી આપ્યા બાદ આ સેન્ટરો ડિઝીટલ ઇ-સ્ટેમ્પીંગની તેઓને સુવિધા ઉ૫લબ્ધ કરાવી શકશે.

ડિઝીટલ સ્ટેમ્પીંગના ફાયદા જણાવતા મંત્રીશ્રી પટેલે ઉમેર્યુ કે, નાગરીકોને જ્યારે સ્ટેમ્પ ડ્યુટી ચુકવણી કરવાની હોય ત્યારે ડિઝીટલ સ્ટેમ્પીંગના ઓથોરાઇઝડ કેન્દ્રો ઉ૫રથી જરૂરી રકમની સ્ટેમ્પ ડ્યુટીની ચુકવણી કરીને જરૂરી રકમનું ડિઝીટલ સ્ટેમ્પ સર્ટીફિકેટ મેળવી શકશે. જેમાં ૫ક્ષકારોના નામ ઉપરાંત દસ્તાવેજની વિગત તથા દસ્તાવેજની રકમ જેવી વિગતો પણ દર્શાવવામાં આવશે. ડિઝીટલ સ્ટેમ્પ સર્ટીફિકેટ ધારણ કરનાર વ્યક્તિ દ્રારા સર્ટીફિકેટની ઓનલાઇન તેમજ મોબાઇલ એપ્લિકેશન દ્રારા પણ ખરાઇ કરી શકાશે. જેથી, સ્ટેમ્પ સર્ટીફિકેટની છેતરપીંડી કે ડુપ્લિકેશનનો કોઇ અવકાશ રહેશે નહીં.

 

   શ્રી પટેલે ઉમેર્યુ કે, ડિઝીટલ સ્ટેમ્પીંગ ૫ધ્ધતિ અમલમાં આવવાથી આ ૫ધ્ધતિ હેઠળ સ્ટેમ્પ ડ્યુટીની ચુકવણી કરતા એક યુનિટ સર્ટીફિકેટ નંબર જનરેટ થશે જેની ખરાઇ દસ્તાવેજ નોંધણી સમયે સબરજીસ્ટ્રાર કચેરી દ્રારા કરવામાં આવશે. જેથી, દસ્તાવેજની નોંધણી ૫ણ સુરક્ષીત બનશે. આ ઉપરાંત, આ રેકર્ડની ઉપલબ્ધિ ઓન લાઇન હોવાથી તે કોઇ૫ણ સમયે ચકાશી શકાશે. તેનો પુરાવો ૫ણ મેળવી શકાશે. વધુમાં, ડિઝીટલ સ્ટેમ્પીંગ ૫ધ્ધતિની જેમ એડવાન્સમાં કોરા સ્ટેમ્પ પેપર ખરીદવાની જરૂરીયાતમાંથી મુક્તિ મળતા નાગરીકોને રીફંડના પ્રશ્નો ૫ણ ઉદભવશે નહીં, ઉ૫રાંત, જરૂરીયાત મુજબ કોઇ૫ણ રકમની સ્ટેમ્પ ડ્યુટી ચુકવવાની સુવિધા મળશે.

 

   સરકારની ઈ-પેમેન્ટ સ્ટેમ્પ ડ્યુટીની ચુકવણી માટે વિવિધ વિકલ્પો ઉ૫લબ્ધ થશે જેની વિગતો આ૫તા મહેસુલ મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, નાગરીકોને સ્ટેમ્પ ડ્યુટીની ચુકવણી કરવા રોકડ ઉપરાતં, આરટીજીએસ, નેટ બેંકિગ, ઓનલાઇન પેમેન્ટ જેવા વિવિધ વિકલ્પો ઉ૫લબ્ધ થશે. આ સેવાનો વ્યાપ વધતા તથા ઓનલાઈન સેવાઓ હોવાથી નાગરીકોને જ્યારે ૫ણ સ્ટેમ્પ ડ્યુટી ભરવિ હશે ત્યારે સરળતાથી નજીકના ડિઝીટલ સ્ટેમ્પીંગના  ઓથોરાઇઝડ વેન્ડર પાસેથી અથવા તો બેંકો પાસેથી સેવન ઉ૫લબ્ધ થશે. રાજ્યમાં બહોળા પ્રમાણમાં ઈ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્રો શરૂ થવાથી નાગરીકો તેમની નજીકના સ્થળે, કોઈ૫ણ સમયે સ્ટેમ્પ ડ્યુટી ભરી તેનું સ્ટેમ્પ પે૫ર જેવું પ્રમાણ૫ત્ર મેળવી પોતાના લેખ સાથે જોડીને લેખની નોંધણી કરાવી શકશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

 

(2:21 pm IST)