Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

અમેરિકામાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ ન્યૂજર્સીમાં ૬ઠ્ઠો વાર્ષિક પાટોત્સવ ઉજવાયોઃ ૬ થી ૮ સપ્ટેમ્બર ૨૦૧૯ દરમિયાન કરાયેલી ઉજવણીમાં મહાપૂજન,મહા અભિષેક, કથા પારાયણ, વચનામૃત, સાંસ્કૃતિક કાર્યક્રમો, સહિતના આયોજનો કરાયા

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાનની પરામસ ન્યુજર્સી શાખામાં તારીખ ૬ થી ૮ સપ્ટેમ્બર દરમ્યાન સદગુરૂ શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીના સાનિધ્યમાં મંદિરમાં વિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી વિધ્નવિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવનો છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ ભકિતભર્યા વાતાવરણમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો.

આ મહોત્સવમાં સ્વામિનારાયણ ચરિત્રામૃત કથા-પારાયણનું આયોજન કરવામાં આવેલું. સ્વામિનારાયણ સંપ્રદાયના બહુ જ લોકપ્રિય અને મધુરભાષી વકતા પુરાણી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ પોતાની સુમધુર અને ભકિતભરી વાણીમાં ભગવાનના લીલાચરિત્રોની કથામૃતનું રસપાન કરાવેલું.

ભગવાન સ્વામિનારાયણની પરાવાણી 'વચનામૃત'  ગ્રંથની વ્યાખ્યાનમાળામાં સદગુરૂ પુરાણી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી વચનામૃતનું સુંદર વિવેચન કરતા. સાથે સાથે મુમુક્ષુ ભકતોના આધ્યાત્મિક પ્રશ્નોના જવાબો આપી તેમની જિજ્ઞાસાને સંતોષતા હતા.

શાસ્ત્રી શ્રી હરિપ્રિયદાસજી સ્વામી 'સંપ' અને સેવાથી જીવનની સુખદ યાત્રા'એ કોટુંબિક સુહ્નદભાવ વધારવાના વિષય ઉપર માનનીય વ્યાખ્યાન આપ્યું હતું.

મહોત્સવ દરમ્યાન તારીખ ૭ સપ્ટેમ્બરના રોજ નારી શકિતને ઉજાગર કરવા માટે 'મહિલામંચ' રાખવામાં આવેલો.જેમાં બાલિકાઓ તથા યુવતીઓએ નૃત્યુ,નાટક,પ્રવચન વગેરે અનેકવિધ કાર્યક્રમો દ્વારા પ્રેક્ષકને મંત્રમુગ્ધ કાર્ય હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઇ સંતો કે મહિલાઓના ચારિત્ર્યમાં કલંક ન લાગે તે માટે સંતો મહિલાઓ સાથે કોઇ પ્રકારનો વ્યવહાર નથી રાખતા. છતાં આ સંપ્રદાયમાં મહિલાઓના સર્વાગી વિકાસ માટે વિશેષ કાર્યક્રમો થતા હોય છે.

તારીખ ૮ સપ્ટેમ્બર, રવિવારના રોજ મંદિરમાં વિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ તથા સર્વ દેવોના વાર્ષિક પાટોત્સવ નિમિતે મહાપૂજન રાખવામાં આવેલું. સવારે ૮-૩૦ વાગયે વેધ્જ્ઞ કિશોરમહારાજ દવેએ દવોની પૂજા વિધિનો શુભારંભ કરાવ્યો. પૂજ્ય સ્વામીજી તથા સંતો સાથે પાટોત્સવના મુખ્ય યજમાન શ્રી ભાવેશભાઇ વિરાણી, સહ યજમાન શ્રી મૌલિકકુમાર સુરેશભાઇ વેકરીયા મુખ્ય પૂજાવિધિમાં બેઠા હતા. સાથે અન્ય ૫૧ સ્ત્રી-પુરૂષ ભકતો પણ મહાપૂજનમાં જોડાયા હતા. પૂજનના અંતે સંતો-ભકતોએ પંચામૃતથી ભગવાનનો મહાભિષેક કરેલ. અંતમાં ઠાકોરજીને વસ્ત્રાભૂષણો ધરાવીને ૨૦૧ વાનગીઓનો મહા અન્નકૂટ ધરાવવામાં આવેલો.

બપોરે ૩ વાગ્યે બાલ સંસ્કાર કલાસના નવા અબ્યાસ વર્ષનો સદગુરૂ શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી તથા પુરાણી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીના શુભહસ્તે શુભારંભ કરવામાં આવ્યો. ગુરૂકુલના આ કેન્દ્રમાં દર રવિવારે યોજાતા હિન્દૂ સંસ્કૃતિ તથા ગુજરાતી ભાષાના કલાસ રાખવામાં આવે છે. તેમાં ૧૨૦ જેટલા બાલ-બાલિકાઓ જોડાય છે.

ત્યારબાદ ૪ થી ૫ વાગ્યા સુધી જળઝીલણી એકાદશીનો ઉત્સવ ઉજવવામાં આવેલો. ગુરૂકુલના ગ્રાઉન્ડમાં વિશાલ સ્વિમિગપુલ ગોઠવી તેમાં નાનકડી હોડીમાં ઠાકોરજીને ઝુલાવવામાં આવેલા. બધા ભકતોએ કીર્તનભકિત અને રાસ સાથે ઠાકોરજીનો જળાભિષેક કરીને ઉત્સવનો આનંદ લીધો હતો.

૫:૩૦ થી ૬:૩૦ સુધી ઉત્સવની પુર્ણાહુતિની સભામાં પ્રસંગે સદગુરૂ શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીએ આખું વર્ષ તન,મન,ધનથી સેવા કરનારા સર્વે સેવકોને મંગલ આશીર્વાદ આપ્યા હતા.

(10:35 pm IST)