Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ફારુક અબ્દુલ્લા સામે પબ્લિક સેફ્ટી એક્ટ લાગૂ : નેતાઓ ખફા

કાશ્મીરમાં તમામ બાબતો સામાન્ય નથી : ઓવૈસી : પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ કોઇપણ વ્યક્તિને કોઇ ટ્રાયલ વગર બે વર્ષ કસ્ટડીમાં રાખી શકાય : રિપોર્ટમાં ઘટસ્ફોટ

નવીદિલ્હી,તા.૧૬ : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાને લઇને ભારે હોબાળો મચી ગયો છે. ફારુક અબ્દુલ્લાને પબ્લિક સેફ્ટી એક્ટ (પીએસએ) હેઠળ લેવામાં આવ્યા છે. એટલું જ નહીં બલ્કે જે સ્થાન પર ફારુક અબ્દુલ્લાને રાખવામાં આવશે તેને એક આદેશ મારફતે અસ્થાયી જેલ તરીકે જાહેર કરી દેવામાં આવી છે. પીએસએ હેઠળ કોઇપણ વ્યક્તિને કોઇપણ કેસ વગર બે વર્ષ સુધી કસ્ટડીમાં રાખવામાં આવી શકે છે. બીજી બાજુ ઓવૈસીએ કાશ્મીરની સ્થિતિને લઇને ફરી એકવાર શ્રેણીબદ્ધ પ્રશ્નો ઉઠાવ્યા છે. અત્રે નોંધનીય છે કે, આ કાનૂનને ફારુક અબ્દુલ્લાના પિતા શેખ અબ્દુલ્લાની અવધિ દરમિયાન લાગૂ કરવામાં આવ્યા બાદ લાંબા ગાળા બાદ આનો ઉપયોગ કરવમાં આવી રહ્યો છે. ફારુક અબ્દુલ્લા શ્રીનગરમાં સાંસદ તરીકે પણ છે. પાંચમી ઓગસ્ટના દિવસે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની મોટાભાગની જોગવાઈ દૂર કરી દેવામાં આવી હતી. ત્યારબાદથી જમ્મુ કાશ્મીરના અનેક રૂઢિવાદી નેતાઓને બાનમાં રાખવામાં આવ્યા છે જેમાં ફારુક અબ્દુલ્લા, તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા અને પીડીપીના નેતા મહેબુબા મુફ્તીનો સમાવેશ થાય છે.

          આજેતરમાં જ નેશનલ કોન્ફરન્સના સાંસદોએ ફારુક અને તેમના પુત્રને મળવાની મંજુરી માંગી હતી પરંતુ તેમને કોઇ મંજુરી અપાઈ ન હતી. ફારુક અબ્દુલ્લાને પીએસએ હેઠળ રાખવામાં આવ્યા છે. આ જોગવાઈ હેઠળ કોઇપણ વ્યક્તિને સરકાર મહત્તમ બે વર્ષ સુધી કોઇપણ ટ્રાયલ વગર કસ્ટડીમાં રાખીને નિયંત્રણમાં રાખી શકે છે. રવિવારની રાત્રે અબ્દુલ્લા ઉપર પીએસએ એક્ટ લાગૂ કરવાનો નિર્ણય કરાયો હતો. આવી સ્થિતિમાં ફારુક અબ્દુલ્લાને નજરકેદમાં રાખવાના નિર્ણયને પડકાર ફેંકીને સુપ્રીમમાં રજૂઆત કરવામાં આવી શકે છે. ૧૯૭૮માં તત્કાલિન શેખ અબ્દુલ્લા સરકારે લાકડાની તસ્કરી પર બ્રેક મુકવાના ઉદ્દેશ્યથી આ નિયમ લાગૂ કરાયો હતો. ૨૦૧૦માં આ કાનૂનમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને તેને સરળ બનાવવાનો નિર્ણય કરાયો હતો. નિયમો અને કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા બાદ પ્રથમ વખત ભુલ કરનાર આરોપીને આ કાયદા હેઠળ મહત્તમ છ મહિનાની કસ્ટડીમાં રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ એવી જોગવાઈ પણ છે કે, વારંવાર આ જોગવાઈનો ભંગ કરવાની સ્થિતિમાં આરોપીની કસ્ટડીને બે વર્ષ માટે વધારવામાં આવી શકે છે. ઓવૈસીએ કહ્યું છે કે, ગુલામ નબી આઝાદ અને અન્યોને જમ્મુ કાશ્મીર જવા માટે સુપ્રીમ કોર્ટની મંજુરી લેવાની જરૂર પડી રહી છે. આનાથી સાબિત થાય છે કે, જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ શાંતિપૂર્ણ નથી. તમામ બાબતો સામાન્ય છે તેવા દાવા જો સરકાર કરે છે તો તેમાં રાજનીતિની જરૂર શું છે.

(12:00 am IST)