Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

બસપા સાથે ગઠબંધન કરવા સપા પૂર્ણ તૈયાર : અખિલેશ

પીછેહઠ કરવી પડશે તો પણ પાર્ટી કરશે : સીટોની ફોર્મ્યુલાને લઇને ગાડી અટવાઈ પડી છે : રિપોર્ટ

નવીદિલ્હી, તા. ૧૭ : લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે મહાગઠબંધન બનાવવાના પ્રયાસ યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. માયાવતીએ વિરોધ પક્ષોને એમ કહીને ચોંકાવી દીધા છે કે, કોઇપણ ગઠબંધનમાં તેમની પાર્ટી એ વખતે જ જશે જ્યારે તેમની પાર્ટીને પુરતા પ્રમાણમાં સીટો મળશે. હજુ સુધી એમ માનવામાં આવી રહ્યું નથી કે, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી કઈરીતે આગળ વધશે. બીજી બાજુ માયાવતીએ કેટલાક રાજ્યોમાં પણ વધારે સીટો માંગીને મહાગઠબંધનની શક્યતાઓના સંદર્ભમાં નવા સેકેત આપ્યા છે. બહુજન સમાજ પાર્ટી અન્ય રાજ્યોમાં વધારે પ્રભુત્વ ધરાવતું નથી પરંતુ માયાવતીએ દબાણપૂર્વકની રણનીતિ અપનાવવાની શરૂઆત કરી છે. મહાગઠબંધન ચોક્કસપણે બનશે પરંતુ સીટોની ફોર્મ્યુલાને લઇને ગાડી અટવાઈ પડી છે. બીજી બાજુ માયાવતીના નિવેદન બાદ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યું છે કે, સમાજવાદી પાર્ટી ચોક્કસપણે ગઠબંધન કરશે. થોડીક પીછેહઠ કરવી પડશે તો પણ કરશે. અખિલેશે કહ્યું છે કે, ભાજપને હરાવવા માટે તેમની પાર્ટી કોઇપણ કિંમતે ગઠબંધન કરશે. તેમની પાર્ટીનો એજન્ડા દેશને બચાવવાનો રહેલો છે. આના માટે તમામ પાર્ટી આગળ આવે તે જરૂરી છે. માત્ર રાજકીય પક્ષો જ નહીં બલ્કે દેશની જનતા પણ ભાજપને દૂર કરવા ઇચ્છુક છે. આવનાર સમયમાં શાનદાર ગઠબંધન બનશે. બીજી બાજુ માયાવતીએ એમ કહીને વિરોધ પક્ષોને ચોંકાવી દીધા છે કે, તે એજ વખતે ગઠબંધન કરશે જ્યારે પુરતી સંખ્યામાં સીટો મળી શકશે.

કોંગ્રેસ પાર્ટી પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઇને મેદાનમાં ઉતરવા તૈયાર છે. ઉત્તરપ્રદેશમાં ગઠબંધનમાં કોંગ્રેસની મુશ્કેલી પણ વધેલી છે. કોંગ્રેસ પાર્ટી પોતે પણ ૧૦થી ઓછી સીટો માટે તૈયાર નથી. બીજી બાજુ પૂર્વ કેન્દ્રિય મંત્રીઅજીતસિંહની પાર્ટીને ફાળવવામાં આવનાર સીટોને લઇને પણ સાવધાની રાખવામાં આવી રહી છે. કોંગ્રેસ અને આરએલડીના ૨૦૧૪માં ખરાબ દેખાવને લઇને તેમની માંગણી આડે અડચણો આવી રહી છે. ઉત્તરપ્રદેશમાં તમામ રાજકીય પક્ષોના પોતપોતાના સમીકરણો રહેલા છે.

(7:28 pm IST)