Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

કિશોર બિયાનીનું ફ્યુચર ગ્રુપ ફૂડ અને ગ્રોસરી સપ્લાય ચેઇનનું વિસ્તરણ કરવાની યોજનામાંઃ ૮૦૦ કરોડનું રોકાણ કરાશે

નવી દિલ્હી: કિશોર બિયાનીનું ફ્યુચર ગ્રૂપ તેના ફૂડ અને ગ્રોસરી સપ્લાય ચેઇનનું વિસ્તરણ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. વિશ્વની મહાકાય રિટેલર વોલમાર્ટે ભારતની ફ્લિપકાર્ટને ખરીદી લીધી છે જ્યારે એમેઝોન પણ કેટલીક ગ્રોસરી કંપનીઓમાં હિસ્સો ખરીદવા માટે સક્રિય બની છે એટલે આ સેગમેન્ટમાં વૈશ્વિક ધુરંધરો વચ્ચે તીવ્ર સ્પર્ધા થવાનું નક્કી છે ત્યારે ફ્યુચર ગ્રૂપ લડી લેવાના મૂડમાં છે.

ભારતની સૌથી મોટી રિટેલર ગણાતી ફ્યુચર ગ્રૂપ આવતાં ચાર વર્ષમાં રાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા ફૂડ સપ્લાય ચેઇનનું નેટવર્ક ઊભું કરવા માટે ₹500-800 કરોડનું રોકાણ કરશે. બિયાનીની યોજના રેફ્રિજરેટેડ ટ્રક અને ટેમ્પરેચર કન્ટ્રોલ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ સ્થાપીને આ નેટવર્ક દ્વારા સમગ્ર સપ્લાયનું સંચાલન કરવાની છે એમ ફ્યુચર ગ્રૂપના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું.

“અમે તદ્દન નવી ફૂડ ડિસ્ટ્રિબ્યુશન ચેઇનનું સર્જન કરી રહ્યા છીએ, જેનાથી અમારા રિટેલ અને બ્રાન્ડ ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસને મદદ મળશે.” એમ કિશોર બિયાનીએ જણાવ્યું હતું. બિગ બાઝાર હાઈપરમાર્કેટ્સ અત્યારે હાઈબ્રીડ સપ્લાય ચેઇન મોડલનું પાલન કરે છે, જેમાં સ્ટોર દ્વારા ફૂડ અને FMCG પ્રોડક્ટ્સનો સપ્લાય HUL અને કોલગેટ પામોલિવ જેવી કંપનીઓને સીધો જ કરવામાં આવે છે. અમુક સપ્લાય કંપનીના ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ મારફતે કરવામાં આવે છે.

ફ્યુચર ગ્રૂપ તેના ફૂડ અને FMCGના સંપૂર્ણ સપ્લાયને ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ દ્વારા બદલવા માંગે છે. તેઓ એક સેન્ટરથી બીજા સેન્ટર વચ્ચેનું અંતર 200 કિલોમીટરની અંદર રાખવા ઇચ્છે છે. આ સેન્ટર્સ અત્યાધુનિક ટેક‌્નોલોજીથી સજ્જ હશે અને તેમાં રિયલ-ટાઇમ ઇન્વેન્ટરી લેવલ જણાવવાની ક્ષમતા હશે.

ફ્યુચર ગ્રૂપની લોજિસ્ટિક્સ કંપની ફ્યુચર સપ્લાય ચેઇન સોલ્યુશન્સના CEO મયૂર તોશનીવાલ કહે છે કે, “અમે ડાયરેક્ટ-ટુ-સ્ટોર મોડલ છોડીને ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ આધારિત મોડલ તરફ આગળ વધી રહ્યા છે અને તમામ ઇન્વેન્ટરીને ખાલી કરીને ફરી ભરવાની સમગ્ર કવાયત આ સેન્ટર્સ દ્વારા કરવામાં આવશે. આ પ્રક્રિયા અત્યંત ઝડપી હશે.”

આ મોડલનું પાલન વોલમાર્ટ દ્વારા સમગ્ર વિશ્વમાં બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. આ મોડલ અપનાવીને ફ્યુચર ગ્રૂપને ખર્ચમાં બચત કરવામાં મદદ મળશે અને બિગ બાઝારના વિવિધ આઉટલેટ પરથી લગભગ 1,000 ચોરસ ફૂટ જગ્યા છૂટી થશે.

બિયાની કહે છે કે, “આ કવાયતથી ફિલ રેટ વધારવામાં મદદ મળશે, અસરકારકતાનું લેવલ વધશે, ગ્રાહકોને તાજો માલ મળશે અને સ્ટોરનો મહત્તમ ઉપયોગ થઈ શકશે.” આ પહેલ દ્વારા ફ્યુચર ગ્રૂપ તેના ફૂડ અને ગ્રોસરીનો ફિલ રેટ અત્યારના 70-75 ટકાથી વધારીને 90-95 ટકા કરવા માંગે છે.

“અમે ઇન્ટિગ્રેટેડ ફૂડ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સનું સર્જન કરી રહ્યા છીએ, જેથી ફ્રેશ ડેરીથી લઈને ફ્રોઝન સુધીની તમામ પ્રકારની પ્રોડક્ટ્સના લોજિસ્ટિક્સના સંચાલનમાં સરળતા પડશે. અમે -4 ડિગ્રીથી લઈને -20 ડિગ્રી તાપમાનની ફ્રોઝન પ્રોડક્ટ્સનું પણ સરળતાથી સંચાલન કરી શકીશું.” એમ બિયાનીએ જણાવ્યું હતું.

ફ્યુચર ગ્રૂપનો ફૂડ અને ગ્રોસરી બિઝનેસ અત્યારે ₹16,000-20,000 કરોડની આવક કરે છે અને કંપની 2022 સુધીમાં આ સેગમેન્ટની આવક ₹40,000 કરોડે પહોંચાડવા માંગે છે.

(5:55 pm IST)