Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

૯૬ જેટલા વિદ્યાર્થીઓઅે ૪૨ દિવસમાં આખા ભારત દેશનું ભ્રમણ કર્યુઃ ખર્ચ રોજના ૯૦૦ રૂપિયા લેખે રૂૂ.૩૭૮૦૦ થયો

અમદાવાદઃ તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ તમારી ભાષા ન સમજતી હોય તો તમે તેની સાથે વાતચીત કેવી રીતી કરો? એ તો ઠીક, એક જ રૂમમાં કેવી રીતે રહો અને આવામાં બસ ચૂકી જાવ તો? આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે આઈઆઈટી ગાંધીનગરના 96 જેટલા વિદ્યાર્થીઓએ ભેગા મળીને 42 દિવસ સુધી આખા ભારતમાં ભ્રમણ કર્યું. આ વર્ષની એક્સપ્લોરર ફેલોશિપના ભાગ રૂપે 32 જેટલી ટીમોએ આખા દેશમાં પ્રવાસ કરીને દેશની વિવિધતાાને સમજવાનો પ્રયત્ન કર્યો. IIT ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ફેલોશિપના કોર્ડિનેટર ચેતન પહલાજાનીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓને દરરોજ માટે 900 રૂપિયાનું એટલે કે આખા દેશમાં ફરવા માટે કુલ રૂ. 37,800નું બજેટ આપવામાં આવ્યું હતુ.

વિદ્યાર્થીઓએ સળંગ છ અઠવાડિયા પ્રવાસ ખેડ્યો હતો. તેમણે જણાવ્યું, “પ્રવાસમાં કેટલીક મર્યાદાઓ હતી જેમ કે વિદ્યાર્થીઓને એસી બસ, ટ્રેન કે એસી હોટેલો યુઝ કરવાની મનાઈ હતી. તેમને ખાણી-પીણ, ટ્રાવેલ કે રહેવા માટે પોતાનો એકપણ રૂપિયો ખર્ચ કરવાની મનાઈ હતી. તેમણે તેમને આપેલા બજેટમાંથી જ બધુ મેનેજ કરવાનું હતુ.” તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓએ કમસેકમ છ સ્ટેટમાં ફરવુ ફરજિયાત હતુ જેમાંથી એક નોર્થ, એક નોર્થ-ઈસ્ટ અને એક રાજ્ય સાઉથનું હોવું જોઈએ.

આ પ્રવાસનો પ્રોજેક્ટ રિપોર્ટ અને વિડિયો ડોક્યુમેન્ટેશન રજૂ કરવામાં આવશે. IIT-ગાંધીનગરના અધિકારીઓએ જણાવ્યું કે આમ કરવા પાછળનો આશય એ છએ કે યુવાન વિદ્યાર્થીઓ દેશના વૈવિધ્યને સમજી શકે અને તેમાંથી જીવનના પાઠ પણ શીખી શકે. આ ટૂરમાં વિદ્યાર્થીઓને વિવિધ લોકો સાથે કેવી રીતે ડીલ કરવું અને મર્યાદિત બજેટમાં કેવી રીતે ગાડુ ગબડાવવું તેના પણ પદાર્થપાઠ મળ્યા હતા. આ સાથે જ આ અનુભવે વિદ્યાર્થીઓની કેટલીય પૂર્વધારણાઓને પણ તોડી નાંખી હતી.

બી.ટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હર્ષ શાહે જણાવ્યું, “મેં અગાઉ મારી જાતે ક્યારેય ટ્રાવેલ નથી કર્યું પરંતુ મેં જ્યારે 10,000 કિ.મી પૂરા કર્યા ત્યારે મને કોન્ફિડન્સ આવ્યો કે હું એકલો ફરવા જઈ શકુ છું. આ ટ્રીપ દરમિયાન મને અનેક અવનવા અનુભવ થયા. દાખલા તરીકે, ડોર્મિટરીમાં ન રહેવુ પડે તે માટે અમે પુડુચેરીમાં 24 કલાક ખુલ્લા રહેતા એક કેફેમાં પહોંચી ગયા. પાછળથી અમને ખબર પડી કે એ કેફે તો રાત્રે 3 વાગ્યે બંધ થઈ જાય છે. આથી અમારે ચેન્નાઈની ટ્રેન પકડતા પહેલા બાકીની રાત પુડુચેરીના સૂમસામ બીચ પર વીતાવવી પડી હતી.” તેની ટીમને જાણવા મળ્યું કે ભારતના 8 જેટલા રાજ્યોમાં 100 જેટલા વિવિધ સ્ટ્રીટ ફૂડ મળે છે.

(5:50 pm IST)