Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ભોપાલમાં રાહુલના રોડ શો પહેલા બબાલ ઃ દિગ્વિજયસિંહના કટઆઉટ ગાયબ

પ્રદેશ કોંગ્રેસનો વિવાદ ફુંફાડો મારી બહાર આવ્યો

ભોપાલ તા. ૧૭ ઃ મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં યોજાનારી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની રેલી પૂર્વે બબાલ મચી ગઇ છે. અહીં કોંગ્રેસની જૂથબંધી સ્પષ્ટપણે નજરે પડી રહી છે. વાસ્તવમાં સભાસ્થળ પરથી પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહનાં કટઆઉટ ગાયબ કરી દેવામાં આવ્યાં છે.

રાહુલ ગાંધી સ્પેશિયલ વિમાન દ્વારા ભોપાલ પહોંચી ગયા છે અને રોડ શોમાં ભાગ લેનાર છે. મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીનો આ પ્રથમ રોડ શો છે. રાહુલ ગાંધી મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજે કોંગ્રેસનું વચનપત્ર જારી કરશે. મોદીના બર્થ ડે પર રાહુલ ગાંધીએ આજે વચનપત્ર જારી કરવાનો કાર્યક્રમ રાખીને વળતો દાવ ખેલ્યો છે.

રાહુલ ગાંધીની સભા આજેે ભેલના દશહરા મેદાનમાં યોજાનાર છે. અહીં રાહુલ ગાંધી સાથે કમલનાથ, જયોતિરાદિત્ય સિંધિયા, વિવેક તન્ખા, સુરેશ પચૌરી, અજયસિંહ, અરુણ યાદવ અને કાંતિલાલ ભુરિયાના કટઆઉટ મૂકવામાં આવ્યા છે, પરંતુ દિગ્વિજયસિંહના કટઆઉટ ગાયબ કરી દેવામાં આવ્યા છે. આ કટઆઉટ રપથી ર૬ ફૂટના છે.

આ ઘટના સામે આવ્યા બાદ બબાલ મચી ગઇ છે. ભાજપને નિશાન તાકવાની તક મળી ગઇ છે. ભાજપના પ્રવકતા રજનીશ અગ્રવાલે જણાવ્યું હતંુ કે કોંગ્રેસમાં સૌ કોઇ મુખ્યપ્રધાન બનવા માગે છે અને તેથી આવું થયું છે. કમલનાથ અને સિંધિયાએ સ્વયંને બતાવવા માટે દિગ્વિજયસિંહના કટઆઉટ ગાયબ કર્યા છે.

આજે જારી કરવામાં આવનાર કોંગ્રેસના વચનપત્રમાં દારૃબંધી નીતિ, વીજળી બિલ માફી, દેવાં માફી, વ્યાપમની પરીક્ષાઓની ફી વાપસી, બેરોજગારી ભથ્થુ, વેટના દરમાં કાપ જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવશે અને એવા વચનો આપવામાં આવશે કે જો કોંગ્રેસની સરકાર રચાશે તો વચનપત્રમાં આપવામાં આવેલા વચનો પર કામ કરવામાં આવશે.

(5:02 pm IST)