Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

કર્ણાટકમાં પેટ્રોલ - ડીઝલ રૂ. ૨ સસ્તા થયા : પ્રજાને રાહત

બેંગલુરૂ તા. ૧૭ : દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનો સિલસિલો સતત જારી રહેતાં સામાન્ય પ્રજાજનો પરેશાન છે. દરમિયાન આજે કર્ણાટકની પ્રજા માટે મુખ્યપ્રધાન એચ.ડી.કુમારસ્વામીએ રાહત આપતી જાહેરાત કરી છે. કર્ણાટક સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વેટ ઘટાડીને પ્રતિ લિટર રૂ.ર-રનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

આ અગાઉ કર્ણાટક સિવાય અન્ય રાજયએ પણ વેટ ઘટાડીને પ્રજાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત આપવાની કવાયત કરી હતી. જયાં ચૂંટણી યોજનાર છે તે રાજસ્થાનમાં પણ વસુંધરા રાજે સરકારે ચાર ટકા વેટ ઘટાડયો હતો. ત્યાર બાદ પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ.એકનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

આંધ્રપ્રદેશ સરકારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ.બેની લોકો માટે રાહત જાહેર કરી હતી. બીજી બાજુ રાષ્ટ્રીય સ્તરે આજે પણ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ૧પ પૈસાનો અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૬ પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો, જેના પગલે દિલ્હીમાં પેેટ્રોલનો ભાવ રૂ.૮ર.૦૬ અને ડીઝલનો ભાવ રૂ.૭૩.૭૮ પર પહોંચી ગયો હતો.

મુંબઇમાં પણ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ.૮૯.૪૪ની સપાટીએ પહોંચી ગયો છે અને ડીઝલની કિંમત પ્રતિ લિટર રૂ.૭૮.૩૩ને આંબી ગઇ છે.

(3:33 pm IST)