Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ભોપાલમાં રાહુલ ગાંધીનો રોડ શો :પોસ્ટરમાં દર્શાવ્યા 'શિવ ભકત'

રાહુલની શિવભકિતનું પોસ્ટર, શંખનાદ, કાર્યકર્તાઓના હાથમાં ગણેશ પ્રતિમા. સોમવારના રોજ રાહુલના રોડ શો દ્વારા કોંગ્રેસે સ્પષ્ટતા કરી દીધી કે તેઓ ગુજરાત બાદ મધ્યપ્રદેશના ચૂંટણી રણમાં સોફટ હિન્દુત્વના રસ્તા પર ચાલશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભોપાલમાં લાલઘાટીથી દશેરા મેદાન સુધી અંદાજે ૧૩ કિલોમીટરના રોડ શોની સાથે પાર્ટી ચૂંટણી અભિયાનનું રણસંગ્રામ ફૂંકયું. રાહુલ ગાંધી બપોરે ૧ વાગ્યે ભોપાલ પહોંચ્યા. તેમનું સ્વાગત કરવા માટે કમલનાથ અને જયોતિરાદિત્ય સિંધિયા હાજર હતા. રોડ શોની શરૃઆતથી પહેલાં પૂજા અર્ચના અને શંખનાદ કર્યો હતો. એટલું જ નહીં કોંગ્રેસ કાર્યકર્તા ગણેશ પ્રતિમા પણ સાથે લઇને આવ્યા હતા. કોંગ્રેસે તેના દ્વારા સ્પષ્ટ સંકેત આપ્યા કે પાર્ટી રાજયમાં સોફટ હિન્દુત્વના રાહ પર આગળ વધશે. રાહુલ ગાંધીના રોડ શો પહેલાં રાજયની રાજધાની ભોપાલને કોંગ્રેસે રાહુલ ગાંધી અને અન્ય નેતાઓના પોસ્ટરો લગાવી દીધા છે. આ પોસ્ટરોમાં રાહુલ ગાંધીના કંકુ અને ચોખાવાળી તસવીરો દેખાડી રહ્યાં છે. આ સિવાય એક તસવીરમાં તેઓ શિવલિંગ પર જળ ચઢાવતા દેખાઇ રહ્યાં છે જયારે બેકગ્રાઉન્ડમાં કૈલાસ માનસરોવરની તસવીર છે. આ તસવીરમાં રાહુલ ગાંધીને શિવભકત ગણાવ્યા છે. જો કે પાર્ટીની અંદર પોસ્ટરોમાંથી દિગ્વિજય સિંહની તસવીરો ગાયબ થવાને લઇ પણ તમામ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

(5:02 pm IST)