Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

વારાણસીની ગલીઓમાં દર મહિને છંટાશે ૭૫ લાખના પરફયૂમ !

શ્રધ્‍ધાળુઓ - પર્યટકોને નહીં કરવો પડે દુર્ગંધનો સામનો

વારાણસી તા. ૧૭ : ધર્મ નગરી કાશીમાં બાબા વિશ્વનાથના દર્શન-પૂજન કરવા માટે આવનારા શ્રદ્ધાળુઓ અને પર્યટકોને હવે દુર્ગંધનો સામનો નહીં કરવો પડે. શ્રી કાશી વિશ્વનાથ વિશિષ્ટ ક્ષેત્ર વિકાસ પરિષદે શેરીઓમાં સફાઈની સાથે-સાથે અત્તર છાંટવાનું પણ આયોજન કર્યું છે.

વારાણસીમાં દરરોજ આશરે એક લાખ શ્રદ્ધાળુ અને પ્રવાસીઓ આવે છે. ગંગા ઘાટ અને વિશ્વનાથ મંદિર જતી ગલીઓમાં ગંદકીના ઉકરડાઓને કારણે લોકોને ખૂબ જ સમસ્‍યાઓનો સામનો કરવો પડે છે. જોકે, આ તસવીર બદલવા માટે શ્રીકાશી વિશ્વનાથ વિશિષ્ટ ક્ષેત્ર પરિષદના વિસ્‍તારમાં આવતા ૧૫ મહોલ્લાની ગલિઓમાં સફાઈની જવાબદારી ગાઝિયાબાદની કંપની ક્‍લીન એન્‍ડ સિક્‍યોર મેનેજમેન્‍ટ કન્‍સલટન્‍સીને સોંપવામાં આવી છે.

કંપની શેરીઓમાં દિવસમાં ત્રણ વાર સફાઈ કરશે અને મણિકર્ણિકા તથા લલિતા ઘાટ જનારા રસ્‍તાઓ પર બે વખત લેમન ગ્રાસ પરફયૂમનો છંટકાવ કરશે. આના માટે કંપનીને દર મહિને ૭૫ લાખ રૂપિયાનું પેમેન્‍ટ કરવામાં આવશે.

શ્રીકાશી વિશ્વનાથ વિશિષ્ટ ક્ષેત્ર પરિષદના CEO વિશાલ સિંહે જણાવ્‍યું કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસ ૧૭ સપ્‍ટેમ્‍બરથી શેરીઓમાં સફાઈની નવી વ્‍યવસ્‍થા શરૂ કરવામાં આવશે. આનો શુભારંભ નરેન્‍દ્ર મોદી અથવા ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ કરી શકે છે. પીએમ મોદી દ્વારા વિશ્વનાથ મંદિરમાં દર્શન-પૂજન બાદ મંદિરથી જ કોરિડોરના કાર્યોના નિરીક્ષણ કરવાની પણ શક્‍યતા છે. મંદિરની આસપાસની શેરીઓમાં સફાઈ વ્‍યવસ્‍થાથી શ્રદ્ધાળુઓને જ નહીં સ્‍થાનીક લોકોને પણ રાહત મળશે.

(10:35 am IST)