Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ખેડૂતોના સહારે ૨૦૧૯નો ચૂંટણી જંગ જીતવા કોંગ્રેસની રણનીતિ

અગાઉની યુપીએ-૧ સરકારની ખેડૂતોના દેવા માફીની યોજના ફરી વહેતી મુકવા વિચારઃ આ મુદ્દા થકી દેશના ખેડૂતોને પોતાની તરફ ખેંચી શકાય તેમ છેઃ પક્ષ ચહેરાને બદલે મુદ્દા આધારીત ચૂંટણી લડવા વિચારે છે : ખેડૂતોની સાથે શિક્ષણ, સ્‍વાસ્‍થ્‍ય અને રોજગારના મોરચે પણ ચૂંટણી વચનોની બ્‍લ્‍યુ પ્રિન્‍ટ તૈયાર કરવામાં આવીઃ શનિવારે ચૂંટણી ઢંઢેરા સમિતિમાં વિવિધ મુદ્દે વિચાર

નવી દિલ્‍હી, તા. ૧૭ : લોકસભાની ચૂંટણી ૨૦૧૯ માટે કોંગ્રેસે જોરશોરથી તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ આ વખતે ચહેરાને બદલે મુદ્દાઓ પર પોતાનુ ધ્‍યાન કેન્‍દ્રીત કરવા માગે છે. કોંગ્રેસ યુપીએ-૧ વખતની ગેમ ચેન્‍જર બની સ્‍કીમોની જેમ કેટલાક નવા ચૂંટણી વચનોના સ્‍વરૂપ પર મંથન કરી રહેલ છે. પક્ષ ખેડૂતોને પોતાની તરફ ખેંચવા માટે યુપીએ-૧ ની ખેડૂત દેવા માફી જેવા નિર્ણયોને ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરી મોટો દાવ ખેલવાની તૈયારીમાં લાગી ગઈ છે. ખેડૂતોની સાથે સાથે શિક્ષણ, સ્‍વાસ્‍થ્‍ય અને રોજગારના મોરચે પણ ચૂંટણી વચનોની લલચામણી બ્‍લ્‍યુ પ્રિન્‍ટની તૈયારી થઈ રહી છે.

કોંગ્રેસની ચૂંટણી ઢંઢેરા સમિતિએ લોકોને રોજેરોજ ડામ આપતા મુદ્દાઓની ઓળખ કરી તેના પર ચર્ચા શરૂ કરી છે. જો કે ખેડૂતોના દેવા માફી જેવા મોટા વચનને સામેલ કરતા પહેલા પક્ષ દેશભરના ખેડૂત પ્રતિનિધિઓ તથા સંગઠનોની સાથે સીધા ખેડૂતો સાથે પણ ચર્ચા કરશે. દેવા માફી ઉપરાંત દીર્ઘકાલીન સ્‍વરૂપથી કૃષિ ક્ષેત્ર તથા ખેડૂતોને મજબુતી પ્રદાન કરવા માટે નક્કર વચનો પણ આ બ્‍લ્‍યુ પ્રિન્‍ટનો હિસ્‍સો રહેશે. શનિવારે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરા સમિતિની બીજી બેઠકમાં આ અંગે ચર્ચા થઈ હતી. ચિદમ્‍બરમ આ સમિતિના વડા છે.

કોંગ્રેસનું માનવુ છે કે એનડીએ સરકારમાં ખેડૂતો રાહત નથી મળી એવા ખેડૂતો સાથે આવી જાય તો સત્તાનો લાડવો પણ હાથમાં આવી જાય. ૨૦૦૪માં શાઈનીંગ ઈન્‍ડીયાની ગુંજ થતા અટલ સરકાર હારી હતી આ ઉદાહરણ કોંગ્રેસ આપી રહી છે.

આવતી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતો અંગે મોટો દાવ ખેલવા અંગે કોંગ્રેસની તૈયારીઓનો સંકેત રાજ્‍ય વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂત દેવા માફીનું વચન પણ મુખ્‍ય આધાર ગણવામાં આવે છે. દેવા માફીના વચને પંજાબમાં કોંગ્રેસને સત્તા અપાવી છે. ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો પરંતુ ખેડૂતોને આકર્ષવા ગ્રામીણ વિસ્‍તારોમાં કોંગ્રેસ સફળ થઈ હતી. કર્ણાટકમાં જેડીએસ સાથે સરકાર બનાવ્‍યા બાદ ૩૬૦૦૦ કરોડ રૂપિયાના દેવા માફીનો શ્રેય પણ કોંગ્રેસ લઈ રહી છે.

મધ્‍ય પ્રદેશ અને રાજસ્‍થાનમાં કોંગ્રેસે કહ્યુ છે કે જો અમે સત્તામાં આવીશુ તો ખેડૂતોના દેવા માફ કરશું. કોંગ્રેસનું કહેવુ છે કે મોદી સરકાર ઉદ્યોગપતિઓની લોન માફ કરે તો ખેડૂતોની કેમ નહિ ? કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધી પણ દેવાના બોજામાંથી ખેડૂતોને મુકત કરવાની તરફેણમાં છે. કોંગ્રેસ આવતી ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફ કરવાનું વચન આપવા તરફ આગળ વધી રહેલ છે. પક્ષનું માનવુ છે કે જનતાને બેચેન કરી રહેલા મુદ્દા પર નક્કર એજન્‍ડા રજૂ કરી ચૂંટણી જીતી શકાય તેમ છે. જો કે વિપક્ષોનું નેતૃત્‍વ કરી રહેલ કોંગ્રેસ સામે મોદીનો ચહેરો એક મોટો પડકાર છે.

(10:25 am IST)