Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

મુંબઇ અને દિલ્‍હી બાદ ટુંક સમયમાં અમદાવાદમાં પણ શરૂ થશે હગિંગ કલબ

હગ (ભેટવું) બધું જ ઠીક કરી શકે છે

મુંબઇ તા. ૧૭ : હગિંગ ક્‍લબ ઓફ ઈંડિયાના ફાઉન્‍ડર ઉમંગ શેઠ ખૂબ સારી રીતે જાણે છે કે હગ (ભેટવું) બધું જ ઠીક કરી શકે છે. ઉમંગ શેઠે જણાવે છે કે, ‘મારી મમ્‍મી સ્‍કિઝોફ્રેનિક છે અને પિતા બાયપોલર (એક પ્રકારનો ડિસઓર્ડર) છે.' ૪૫ વર્ષીય ઉમંગની મુંબઈમાં એડવર્ટાઈઝિંગ કંપની છે. ઉમંગે ૧૧ મહિના પહેલા મેન્‍ટલ હેલ્‍થ પ્રોબલેમ્‍સ અને આત્‍મહત્‍યાના વિચારોથી પ્રેરાયેલા હોય તેવા લોકોની મદદ કરવા માટે આ ક્‍લબની શરૂઆત કરી અને આ કામમાં મેડિકલ પ્રોફેશનલનો પણ સહારો લીધો.

આ ક્‍લબની શરૂઆતમાં મુંબઈમાં ગે અને લેસ્‍બિયન કમ્‍યુનિટીના લોકોની મદદ કરવા માટે થઈ હતી પરંતુ ધીરે ધીરે અન્‍ય નોર્મલ (ગે-લેસ્‍બિયન ન હોય તેવા) લોકો પણ અહીં મદદ માટે આવવા લાગ્‍યા. ઉમંગે કહ્યું કે, ‘મને ખુશી છે કે ગે-લેસ્‍બિયન ન હોય તેવા લોકો પણ અહીં મદદ લેવા માટે આવે છે. હવે આ ક્‍લબ ગે પૂરતું જ સીમિત નથી રહ્યું.' ૨ ઓક્‍ટોબરે ક્‍લબની પહેલી એનિવર્સરી છે. અમદાવાદમાં પણ આ પ્રકારનું હગિંગ ક્‍લબ ખોલવાનું ઉમંગ શેઠનું આયોજન છે.

ઉમંગે જણાવ્‍યું કે, ‘અમદાવાદમાં હગિંગ ક્‍લબ ખોલવા માટે અમે પાર્ટનરની શોધમાં છીએ. ગુજરાતના વિવિધ ભાગોમાંથી અમને મદદ માટે ફોન આવે છે. લોકો કહે છે કે તેમની સહાય માટે કોઈ નથી અને આ સ્‍થિતિમાંથી બહાર કેવી રીતે આવવું તે જાણતા નથી. દિલ્‍હી બાદ ગુજરાતમાં મીટિંગ અને સપોર્ટ ગ્રુપ શરૂ કરવાનું આયોજન કર્યું છે.' ઉમંગનો ઉછેર મુંબઈમાં થયો છે પરંતુ તેના માતા-પિતા દાહોદના ઝાલોદ તાલુકાના છે. ઉમંગ પોતે પણ ગે છે અને ગે બોમ્‍બેનો કો-ફાઉન્‍ડર છે. ગે બોમ્‍બે આ કમ્‍યુનિટીના લોકોને સુરક્ષા પૂરી પાડે છે.

એક વર્ષ પહેલા ડિપ્રેશનના કારણે ઉમંગના નજીકના મિત્રએ આપઘાત કરી લીધો હતો. ત્‍યારે જ ઉમંગે નક્કી કર્યું કે જે લોકો પોતાનું દુઃખ બીજા સાથે શેર નથી કરતા, મનની અંદર શું ચાલી રહ્યું છે તે નથી જણાવતા, ડિપ્રેશનથી પીડાય છે તેમની મદદ કરશે. હાલ ક્‍લબમાં ૧૦૦ જેટલા સભ્‍યો છે, જેમાંથી ૪૦ મહિનામાં બે વખત મુંબઈ અને દિલ્‍હીમાં યોજાતી ક્‍લબની મીટિંગમાં ભાગ લે છે. ઉમંગે કહ્યું કે, ‘ફ્રેંડ્‍સના રેફરંસથી ક્‍લબમાં જોડયેલા લોકોની સંખ્‍યા વધારે છે. આ લોકો પોતાના ફ્રેંડ્‍સ અને ફ્રેંડ્‍સના ફ્રેંડ્‍સ જે સોશિયલ પ્રેશરના કારણે દુઃખી હોય તેમને સપોર્ટ ગ્રુપમાં લાવે છે. વિદ્યાર્થીઓથી લઈને કંપનીના હેડ પણ ગ્રુપનો ભાગ છે. બધા જ એકબીજાની મદદ કરે છે.'

ઉમંગે કહ્યું કે, ગયા વર્ષે ક્‍લબની શરૂઆત થઈ ત્‍યારથી અત્‍યાર સુધીમાં ૩ લોકોને આપઘાત કરતા બચાવ્‍યા છે. એક પ્રેમી હતો, બીજો કરિયરને લઈને પરેશાન વ્‍યક્‍તિ અને ત્રીજો એકલતાથી પીડાતો વ્‍યક્‍તિ હતો. ક્‍લબની મીટિંગનું નેતૃત્‍વ આંતરરાષ્ટ્રીય ખ્‍યાતિ ધરાવતા ડો. ભરત વટવાની કરે છે. આ વર્ષે જુલાઈમાં ડો. ભરત વટવાનીને રેમન મેગસેસે અવોર્ડ મળ્‍યો. માનસિક બીમારીના કારણે પરિવારથી દૂર થયેલા ૨૦૦૦ જેટલા લોકોનું તેમણે કુટુંબીઓ સાથે પુનઃમિલન કરાવ્‍યું.

હગિંગ ક્‍લબ વિશે વાત કરતાં ડો. વટવાની જણાવે છે કે, ‘થોડા સમય પહેલા હગિંગ ક્‍લબના એક ગેટ-ટુ-ગેધરમાં મને હોમોસેક્‍સયુઅલ કમ્‍યુનિટીની માનસિક સમસ્‍યાઓ વિશે વાત કરવાની તક મળી. ગે અને લેસ્‍બિયન જેઓ માનસિક સમસ્‍યાથી પીડાતા હોય તેમને ઉમંગ ઘણીવાર કાઉન્‍સિલિંગ માટે મારા ક્‍લિનિક પર લઈને આવે છે. ત્‍યારે મેં તેને જણાવ્‍યું કે મને સ્‍વૈચ્‍છિક રીતે માનસિક બીમારીથી પીડાતા લોકોની મદદ કરવાનું ગમશે.'

નાઝ ફાઉન્‍ડેશન NGOના ફાઉન્‍ડર અને જાણીતા હ્યુમન રાઈટ એક્‍ટિવિસ્‍ટ અંજલી ગોપાલન પણ ક્‍લબની મીટિંગમાં ગ્રુપના સભ્‍યોની મદદ માટે જાય છે. અંજલીનું કહેવું છે કે, આ ક્‍લબ લોકોને પ્‍લેટફર્મ પૂરું પાડે જયાં આવીને તેઓ ખુલ્લા દિલે પોતાની સમસ્‍યા રજૂ કરી શકે. ક્‍લબમાં મેન્‍ટલ હેલ્‍થની સમસ્‍યાઓ વિશે પણ વાત કરવામાં આવે છે જે આજના સમયમાં જરૂરી બન્‍યું છે.

(10:18 am IST)