Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

FPI દ્વારા સપ્ટેમ્બર માસમાં ૯,૪૦૬ કરોડ પાછા ખેંચાયા

એફપીઆઈ દ્વારા જંગી નાણાં પાછા ખેંચાયા : છેલ્લા બે મહિનામાં જંગી નાણા ઠલવાયા બાદ ફરીવાર નાણા ખેંચાયા : ડોલરની સામે રૂપિયામાં કડકાની અસર

મુંબઈ, તા.૧૬ : વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા પખવાડિયાના ગાળામાં મૂડી માર્કેટમાંથી ૯૪૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. છેલ્લા બે મહિનામાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા બાદ હવે નાણાં પરત ખેંચવામાં આવ્યા છે. તેલ કિંમતોમાં વધારો થવાના પરિણામ સ્વરુપે વર્તમાન ખાતાકીય ખાધમાં વધારો થયો છે. રૂપિયામાં પણ ઘટાડો થયો છે. ઇક્વિટી અને ડેબ્ટ બંનેમાં છેલ્લા મહિનામાં મૂડી માર્કેટમાં ૫૨૦૦ કરોડ રૂપિયા સુધીના નાણાં ઠાલવવામાં આવ્યા હતા. ઓગસ્ટ મહિનામાં ૨૩૦૦ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. એપ્રિલ-જૂનના ગાળા દરમિયાન વિદેશી મૂડીરોકાણકારોએ ૬૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. નવેસરના ડિપોઝીટરીના આંકડા દર્શાવે છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ ત્રીજીથી ૧૪મી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાંથી ૪૩૧૮ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લીધી છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૫૦૮૮ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચવામાં આવી છે. આની સાથે જ કુલ ૯૪૦૬ કરોડ રૂપિયા અથવા તો ૧.૩ અબજ ડોલરની રકમ પાછી ખેંચવામાં આવી છે. એફપીઆઈ દ્વારા આ મહિનામાં જ જંગી નાણાં પાછા ખેંચવામાં આવ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સપ્ટેમ્બર મહિનામાં એફપીઆઈ તરફથી વેચવાલી જારી રહી છે.  માર્કેટ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, રૂપિયામાં ઘટાડાનો દોર અવિરત જારી રહ્યો છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં સ્થિર વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા એફપીઆઈના સંદર્ભમાં જારી કરવામાં આવેલા સરક્યુલરને લઇને પણ ચિંતા રહી છે. વૈશ્વિક માર્કેટમાંથી મંદીની સ્થિતિ રહેલી છે. ફોરેન ઇન્વેસ્ટર લોબી ગ્રુપ દ્વારા ગયા સપ્તાહમાં જ કહેવામાં આવ્યું હતું કે, તે સેબી દ્વારા કેવાયસી અને બેનિફિશિયલ માલિકીના સંદર્ભમાં સૂચિત ધારાધોરણને અમલી કરવામાં આવશે તો વિદેશી મૂડીરોકાણકારો ૭૫ અબજ ડોલર સુધીની રકમ પાછી ખેંચી લેશે. જાણકાર લોકોનું કહેવું છે. અનિશ્ચિતતા અને સાવધાનીપૂર્વકનું વલણ વિદેશી રોકાણકારોમાં જોવા મળી રહ્યું છે. એપ્રિલ-જૂનના ગાળા દરમિયાન વિદેશી મૂડીરોકાણકારોએ અભૂતપૂર્વ નાણા પાછા ખેંચી લીધા હતા પરંતુ ત્યારબાદથી બજારમાં પ્રવાહી સ્થિતિ રહી છે. ડોલર સામે રૂપિયો ખુબ ઝપડથી ગગડી રહ્યો છે. રૂપિયાના થઇ રહેલા અવમુલ્યન વચ્ચે વિદેશી મૂીડીરોકાણકારો પણ ઉતાવળમાં કોઇ પગલા લેવા માંગતા નથી. છેલ્લા બે મહિનામાં જંગી નાણા ઠાલવી દેવામાં આવ્યા બાદ છેલ્લા પાંચ કારોબારી સેશનમાં રોકાણકારોએ ફરીથી જંગી નાણા ફાછા ખેંચ્યા છે. વિદેશી મૂડીરોકાણકારો સામે અન્ય કેટલાક પરિબળો પણ રહેલા છે જે પૈકી ભારતમાં સ્થિર વેપારી માહોલનો પણ સમાવેશ થાય છે. હાલમાં સરકાર દ્વારા સુધારાની દિશામાં કેટલાક સાહસી પગલા લીધા બાદ તેને લઇને પણ કેટલાક સમુદાયમાં નારાજગી છે.

FPI દ્વારા રોકાણ......

*    વિદેશી મૂડીરોકાણકારોએ મૂડીમાર્કેટમાંથી ૯૪૦૦ કરોડ પાછા ખેંચી લેવાયા

*    છેલ્લા બે મહિનામાં જંગી નાણા ઠલવાયા બાદ ફરી નાણાં પાછા ખેંચવામાં આવ્યા

*    ડોલર સામે રૂપિયામાં ઘટાડા અને ક્રૂડ ઓઇલની વધતી કિંમતોની રોકાણકારો ઉપર પ્રતિકુળ અસર થઇ

*    મૂડી માર્કેટમાં ઉથલપાથલનો દોર યથાવતરીતે જારી રહ્યો

*    એપ્રિલ-જૂનના ગાળા દરમિયાન વિદેશી મૂડીરોકાણકારોએ ૬૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા

*    ત્રીજીથી ૧૪મી સપ્ટેમ્બર દરમિયાન ઇક્વિટીમાંથી એફપીઆઈ દ્વારા ૪૩૧૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા અને ડેબ્ટ માર્કેટમાંથી ૫૦૮૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા. આની સાથે જ કુલ રોકાણનો આંકડો ૯૪૦૬ કરોડ થયો

*    આ વર્ષમાં હજુ સુધી જંગી નાણા પરત ખેંચવામાં આવ્યા છે

*    વિદેશી મૂડીરોકાણકારો બજારની સ્થિતિને લઇને ચિંતાતુર બનેલા છે

(12:00 am IST)