Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

જનધન યોજનામાં ૨૦ લાખ લોકો સામેલ કરાયા : રિપોર્ટ

ખાતા ધારકોની સંખ્યા વધીને ૩૨.૬૧ કરોડ : પ્રધાનમંત્રી જનધન યોજનામાં સુધારાઓ કરવામાં આવ્યા બાદ નવા ખાતા ધારકો ઉમેરાયા : નવી સુવિધા ઉમેરાઈ

નવીદિલ્હી, તા. ૧૬ : સુધારવામાં આવેલી પ્રધાનમંત્રી જનધન યોજનામાં પાંચમી સપ્ટેમ્બર સુધી ઓછામાં ઓછા ૨૦ લાખ લોકો સામેલ થયા છે. આની સાથે જ નાણાંકીય સમાવેશના આ મુખ્ય કાર્યક્રમમાં ખાતા ધારકોની કુલ સંખ્યા વધીને હવે ૩૨.૬૧ કરોડ રૂપિયા થઇ ગઇ છે. નાણામંત્રાલય દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં સરકારે સુધારવામાં આવેલી પ્રધાનમંત્રી જનધન યોજનામાં ઉચ્ચ વિમા કવચ સાથે શરૂ કરવામાં આવેલી અવધિવાળી યોજનાના રુપમાં ફરીવાર શરૂાત કરી હતી અને ઓવરડ્રાફ્ટની સુવિધાને બે ગણી કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રીમંડળે ૧૪મી ઓગસ્ટના દિવસે પૂર્ણ થયેલા ચાર વર્ષના ગાળાથી આગળ આ યોજનાને જારી રાખવાનો નિર્ણય કર્યો હતો. આનો મુખ્ય ઉદ્દેશ્ય બેંકિંગ વ્યવસ્થાને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટેનો રહ્યો છે. નાણામંત્રાલયના આંકડા મુજબ ૧૫મી ઓગસ્ટથી પાંચમી સપ્ટેમ્બરની અવધિ દરમિયાન ૩૨.૬૧ પ્રધાનમંત્રી જનધન ખાતામાં કુલ જમા રકમમાં ૧૨૬૬.૪૩ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ યોજનાના ખાતામાં બાકી રકમ પાંચમી સપ્ટેમ્બરના દિવસે ૮૨૪૯૦.૯૮ કરોડ રૂપિયા હતી. સુધારવામાં આવેલી યોજના હેઠળ ૨૮મી ઓગસ્ટ બાદ પ્રધાનમંત્રી જનધન યોજના ખાતા હેઠળ નવા રુપે કાર્ડ ધારકો માટે અકસ્માતના વિમા છત્રને એક લાખથી વધારીને બે લાખ રૂપિયા કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત પાંચ હજાર રૂપિયાની વર્તમાન ઓવરડ્રાફ્ટ મર્યાદા ૧૦૦૦૦ રૂપિયા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત બે હજાર રૂપિયા સુધીના ઓડી માટે કોઇ શરત રાખવામાં આવી નથી. આંકડાકીય એવું જાણવા મળ્યું છે કે, ૨૮મી ઓગસ્ટ બાદ પ્રધાનમંત્રી જનધન યોજનામાં ખાતા ખોલાવનાર આશરે ૭.૧૮ લાખ લોકો બે લાખ રૂપિયાના અકસ્માત છત્રના વિમાનો લાભ લઇ શકે છે. ઓગસ્ટ ૨૦૧૪માં શરૂ કરવામાં આવેલી આ યોજનાના પ્રથમ ચરણમાં મૂળભૂતબેંક ખાતા અને રૂપે ડેબિટ કાર્ડ ખોલવા પર ધ્યાન કેન્દ્રીત કરાયું હતું.

(7:55 pm IST)