Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

એપલને કર્મચારીઓની બેગ ચેક કરવાનું ભારે પડ્યું

શિફ્ટ પૂરી થયા બાદ કર્મચારીઓની બેગ ચેકિંગનો નિયમ : ૨૪૨ કરોડ વળતર : ૨૦૧૩માં કોર્ટમાં ગયેલા કર્મીઓએ વધારાના સમયનું પેમેન્ટ ન કર્યાની દલીલ કરી હતી

વોશિંગ્ટન, તા.૧૭ : દુનિયાની ઘણી બધી કંપનીઓમાં શિફટ પૂરી થયા બાદ કર્મચારીઓના સામાનની તલાશી લેવાનો નિયમ છે. જોકે એપલ કંપનીને આ નિયમ લાગુ કરવાનુ ભારે પડી ગયુ છે.બે કર્મચારીઓએ આ નિયમ સામે કોર્ટમાં પિટિશન કર્યા બાદ હવે કંપનીએ સેટલમેન્ટ કરવા માટે તૈયારી બતાવી છે. આ સેટલમેન્ટને કોર્ટે મંજૂરી આપી છે. જેના ભાગરુપે એપલ કર્મચારીઓને ૩ કરોડ ડોલર એટલે કે ૨૪૨ કરોડ રુપિયા ચુકવવા પડશે. એપલના રિટેલ કર્મચારીઓને રોજ શિફટ પૂરી થયા બાદ નિયમ પ્રમાણે પોતાની બેગ ચેક કરાવવાની હોય છે. જોકે ૨૦૧૩માં કોર્ટમાં ગયેલા કર્મચારીઓની દલીલ હતી કે, આ તપાસ શિફટ પૂરી થયા બાદ થતી હતી અને તેમાં જે સમય લાગતો હતો તેના માટે કંપની કોઈ પેમેન્ટ આપતી નહોતી.

અમારો રોજ અડધો કલાક ચેકિંગમાં બરબાદ થતો હતો અને જો વેતનને ગણતરીમાં લઈએ તો એક વર્ષમાં બેગ ચેકિંગમાં જે સમય લાગે છે તેમાં કર્મચારીને ૧૫૦૦ ડોલર મળી શકે છે. જેનુ કંપની પેમેન્ટ કરતી નથી. એપલે સુનાવણી દરમિયાન દલીલ કરી હતી કે, સર્ચ કરવુ જરુરી છે. જેથી કોઈ કર્મચારી પ્રોડકટ ચોરી કરીને ઘરે લઈ જતો હોય તો ખબર પડે. જોકે કેલિફોર્નિયાની કોર્ટે ૨૦૨૦માં કર્મચારીઓના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.

કોર્ટે કહ્યુ હતુ કે, એપલે કર્મચારીઓને આ માટે વળતર આપવુ પડશે. એ પછી એપલ કંપની સેટલમેન્ટ માટે તૈયાર થઈ છે. જેનો લાભ કંપનીના હાલના અને પહેલાના ૧૨૦૦૦ કર્મચારીઓને મળશે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે તો કંપનીની આ સર્ચ પોલિસીની જાણકારી ટીમ કૂકને નહોતી અને મામલો પ્રકાશમાં આવ્યા બાદ કૂકે આ અંગે ઈક્નવારી કરી હતી.

 

 

(7:28 pm IST)