Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

મહારાષ્‍ટ્રમાં પેસેન્‍જર ટ્રેન અને માલગાડી વચ્‍ચે ભીષણ ટક્કર : ૫૦થી વધુ લોકો ઇજાગ્રસ્‍ત

પૂણે તા. ૧૭ : મહારાષ્ટ્રના ગોંદિયામાં મોટી ટ્રેન દુર્ઘટના સામે આવી રહી છે જેમાં એક પેસેન્‍જર ટ્રેને માલગાડીને ટક્કર મારી છે. ટક્કર બાદ ટ્રેનના ત્રણ ડબ્‍બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા અને ૫૦થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. સ્‍વાસ્‍થ્‍ય વિભાગ સહિતના તંત્રમાં દોડધામ મચી હતી અને તાત્‍કાલિક સારવાર માટેના પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્‍યા હતા.

આ ઘટના મંગળવારની રાત્રિના લગભગ ૨.૩૦ વાગ્‍યાની આસપાસ ઘટી હતી કે જયારે એક ટ્રેનના ત્રણ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં ૫૦થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ગુડ્‍સ ટ્રેન અને પેસેન્‍જર ટ્રેન વચ્‍ચે આ અકસ્‍માત ભગત કી કોઠી વચ્‍ચે સિગ્નલ ન મળવાના કારણે થયો હતો. જો કે, રાહતની બાબત એ છે કે આની અંદર એકપણ મુસાફરનું મોત નથી થયું. આ અકસ્‍માતનો ભોગ બનેલી ટ્રેન છત્તીસગઢના બિલાસપુરથી રાજસ્‍થાનના જોધપુર જઈ રહી હતી.

ઘટનામાં ઘાયલ તમામ મુસાફરોને તાત્‍કાલિક સરકારી અને પ્રાઇવેટ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. નોંધનીય છે કે બંને ટ્રેન એક જ દિશામાં નાગપુર જઈ રહી હતી. ભગત કી કોઠી નામક ટ્રેન ગ્રીન સિગ્નલ બાદ આગળ જઈ રહી હતી અને ગોંદિયામાં એક માલગાડી પાટા પર જ ઊભી હતી. જે બાદ ભગત કી કોઠી ટ્રેને પાછળથી માલગાડીને ટક્કર મારી દેતા દુર્ઘટના થઈ હતી.

(10:30 am IST)