Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

યુનોમાં ચીન-પાકિસ્તાનને સણસણતો તમાચોઃ ભારતનો કુટનીતિક વિજય

કાશ્મીરના મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાના પાકિસ્તાન અને ચીનના ધમપછાડા નિષ્ફળ ગયાઃ પાકિસ્તાન અને ચીનની માંગણી કોઈ સભ્યોએ સ્વીકારી નહીઃ ન તો વોટીંગ થયુ કે ન તો નિવેદન આવ્યું: ભારતે જમ્મુ-કાશ્મીર અંગે ચીન અને પાકિસ્તાનની દરેક ચાલને નિષ્ફળ બનાવીઃ જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉછાળવાના પ્રયાસો નિષ્ફળ ગયાઃ અમેરિકા, ફ્રાન્સ, રૂસ, બ્રિટન ભારતની પડખે રહ્યા

યુનો, તા. ૧૭ :. સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ગઈકાલે જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ સમાપ્ત કરવાને લઈને યોજાયેલી અનૌપચારીક બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આ બેઠકમાં ભારતને સૌથી મોટી કુટનીતિક જીત મળી છે. પાકિસ્તાનનું મિત્ર ચીનની પહેલ પર કાશ્મીર મુદ્દે બંધ બારણે થયેલી ચર્ચા ભારતના પક્ષમાં રહી છે. સંયુકત રાષ્ટ્રમાં પાકિસ્તાનના નાપાક પ્રશ્નોને મહત્વ મળ્યુ નથી. પાકિસ્તાનને સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યોમાંથી માત્ર ચીનનો જ સાથ મળ્યો. બેઠકમાં હંમેશની જેમ રૂસ ભારત સાથે રહ્યું. આમ જમ્મુ-કાશ્મીર મુદ્દે સમગ્ર દુનિયામાં અલગથલગ પડેલા પાકિસ્તાને ફટકાર પડી છે. પોતાના સદાબહાર મિત્ર ચીન સાથે મળીને પાકિસ્તાને યુનોમાં ભારત વિરૂદ્ધ ષડયંત્ર રચ્યુ હતુ પરંતુ ભારતની કુટનીતિ સામે તે ઉંધામાથે પછડાયુ હતુ. યુનોની પરિષદે કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ બહાલીના ભારતે લીધેલા પગલાને બિરદાવ્યા છે. કાશ્મીરનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાના પાકિસ્તાન અને ચીનના પ્રયાસો નિષ્ફળ ગયા છે. યુનોના સભ્યોએ પાકિસ્તાનની ઔપચારીક બેઠક અને આ મુદ્દે અનૌપચારીક નિવેદનની માંગણી પણ ફગાવી દીધી છે.

ભારતે સ્પષ્ટપણે જણાવ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીરમાં કરવામાં આવેલ બંધારણીય ફેરફાર ભારતનો આંતરીક મામલો છે અને તેનો આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે કોઈ સંબંધ નથી. જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવવાના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જવાની ચીન અને પાકિસ્તાનની કોશિષ નિષ્ફળ ગઈ છે. બંધ રૂમમા થયેલી બેઠક બાદ પાકિસ્તાની દૂત લોધીએ જીતનો દાવો કર્યો હતો પરંતુ યુનોએ કોઈ ઔપચારીક જાહેરાત નથી કરી. ભારતે ચીન અને પાકિસ્તાનના દાવાને ફગાવી દેતા મજબુતી સાથે દુનિયા સમક્ષ પોતાનો પક્ષ રાખ્યો હતો.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે ચીને સલાહ આપી હતી કે બેઠક બાદના ઘટનાક્રમ અંગે અનૌપચારીક જાહેરાત કાઉન્સીલના અધ્યક્ષ કરે પરંતુ ચીનને બીજા દેશોનું સમર્થન ન મળ્યું. યુનોમાં ભારતે ચીન અને પાકિસ્તાનને ચોતરફથી ઘેર્યુ હતું. ન તો વોટીંગ થયુ કે ન તો કોઈ પ્રસ્તાવ આવ્યો. ચીને ધમપછાડા કર્યા હતા કે કાશ્મીરની હાલત ચિંતાજનક અને ખતરનાક છે. સુરક્ષા પરિષદના ૧૫ સભ્યોમાં ૫ સ્થાયી અને ૧૦ અસ્થાયી સભ્યો છે. સ્થાયી સભ્યોમાં ચીનને બાદ કરતા ફ્રાન્સ, રૂસ, બ્રિટન અને અમેરિકાએ પહેલા જ કાશ્મીરને આંતરીક મામલો ગણાવી દ્વિપક્ષીય વાતચીતથી ઉકેલવાની તરફેણ કરી હતી.

યુનોના ઈતિહાસમાં આ બીજો પ્રસંગ હતો કે જ્યારે કાશ્મીર અંગે કોઈ બેઠક યોજાઈ હોય.

(10:01 am IST)