Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

હવે કેન્દ્ર સરકાર દ્વારા ‘નવી શિક્ષણનીતિ’ લાગુ કરવા તૈયારી

વર્ષ 1968 અને 1986 બાદ હવે વર્ષ 2019માં ત્રીજીવાર નવી શિક્ષણનીતિ લવાશે ;સસ્તું ,સરળ અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા પર મુકાશે ભાર

નવી દિલ્હી ;હવે કેન્દ્ર સરકાર નવી શિક્ષણ નીતિ લાગુ કરવા તૈયારી કરી રહી છે વર્ષ 1968 અને 1986 બાદ હવે વર્ષ 2019માં ત્રીજીવાર નવી શિક્ષણનીતિ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી છે. હાલમાં તમામ રાજ્યો પાસેથી જરૂરી સૂચનો મંગાવવામાં આવ્યા છે. નવી શિક્ષણનીતિનો હેતુ વિદ્યાર્થીઓ ઉત્તમ અને સસ્તું શિક્ષણ સરળતાથી મેળવી શકે તેમજ વધી રહેલો ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેના પર ખાસ ધ્યાન આપીને તૈયાર કરાઈ રહ્યું છે.

નવી શિક્ષણનીતિમાં 3 વર્ષથી લઈને 18 વર્ષ સુધીના બાળકોનો સમાવેશ કરાયો છે. બાળકોના આભ્યાસના 15 વર્ષોને કુલ 4 ભાગમાં જુદા પાડવામાં આવી રહ્યા છે. જેમાં પ્રથમ ભાગમાં 3 થી 8 વર્ષના બાળકનો સમાવેશ કરાશે જેમાં બીજા ધોરણ સુધીના બાળકો હશે જેને એલિમેન્ટરી એજ્યુકેશન તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ ધોરણ 3 થી 5 સુધીને લોઅર પ્રાઈમરી તો ધોરણ 6, 7 અને 8ના બાળકોનો અપર પ્રાઈમરીમાં સમાવેશ કરાશે. આ સિવાયના એટલે કે ધોરણ 9, 10, 11 અને 12ના વિદ્યાર્થીઓનો સમાવેશ માધ્યમિક શિક્ષણ તરીકે કરાઈ રહ્યો છે. આ સાથે જ 3 વર્ષથી જ બાળકના અભ્યાસને કાયદેસર બનાવાઈ રહ્યું છે.

શિક્ષણ વિભાગ દ્વારા અનેક તજજ્ઞો પાસેથી શિક્ષણનીતિઓ સંદર્ભે તેમના વિચારો પણ મંગાવ્યા છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા આ બાબતે રજૂઆત કરાઈ છે કે, શિક્ષણનું સ્તર સુધારવા ધોરણ 5માં જ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે જેમાં પાસીંગ ગુણ 33ના બદલે 40 રાખવામાં આવે. ત્યારબાદ ધોરણ 8માં બાળકોની ફરી એકવાર પરીક્ષા લેવામાં આવે જેમાં પાસીંગ ગુણ 50 રાખવામાં આવે. અને ત્યારબાદ ધોરણ 10ની બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાને ઓપ્શનલ બનાવી દેવામાં આવે.

સામન્ય પ્રવાહમાં અભ્યાસ કરવા ઈચ્છતા બાળકોને બોર્ડની પરીક્ષા આપવામાંથી મુક્તિ આપવામાં આવે અને ધોરણ 10 બાદ ડીપ્લોમા કે વિજ્ઞાન પ્રવાહમાં જવા ઈચ્છતા વિદ્યાર્થીઓની જ માત્ર બોર્ડ દ્વારા ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી ભાષાની પરીક્ષા લેવામાં આવે. જેના કારણે ધોરણ 10 બાદ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં પણ મદદ મળશે.

  ધોરણ 10નું પરિણામ પણ ખુબ ઓછું આવતા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા સૂચન કરાયું છે કે, કોર્પોરેશન અને જિલ્લા પંચાયત હસ્તકની ધોરણ 6, 7 અને 8 ના વર્ગોને તેઓને સોંપી દેવામાં આવે. કારણ આપતા ભાસ્કર પટેલ જણાવે છે કે, કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની શાળાઓમાંથી ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9માં આવતા વિદ્યાર્થીઓને બરોબર વાંચતા અને લખતા આવડતું હોતું નથી જેના કારણે તેઓ ધોરણ 10માં નાપાસ થાય છે. અને તેની અસર શાળાનાં પરિણામ પર પડે છે. માટે જો તેમની માગ માનવામાં આવે તો ધોરણ 6 થી 8 સુધીમાં વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં સરળતા રહેશે અને ધોરણ 10નું પરિણામ પણ સુધારી શકાશે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટશે.

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા નવા શિક્ષણનીતિઓ અંગેના સૂચનો માટે હાલ તો રાજ્ય સરકારો પાસેથી પણ સૂચનો મંગાવવામાં આવ્યા છે ત્યારે રાજ્ય સરકારો દ્વારા પણ તજજ્ઞો પાસેથી સૂચનો માગવામાં આવ્યા છે, ત્યારે આ સૂચનો બાદ સરકાર પોતે કેન્દ્ર સરકારને સુધારા વધારા સુચવશે ત્યારબાદ લગભગ આવતા વર્ષથી નવી શિક્ષણનીતિ અમલી બનશે.

(12:00 am IST)