Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

કેરળમાં પૂરના કારણે ૧૬૭ લોકોના મોત : આજે સાંજે મોદી જશે મુલાકાતે

ગુરૂવારે વરસાદ અને પૂરને કારણે ૩૦ લોકોના મોત નિપજ્યા

કોચી તા. ૧૭ : કેરળમાં પૂરથી તબાહીનો સિલસિલો જારી છે. પૂરથી મરનારા લોકોનો આંક વધતો જઇ રહ્યો છે. મૃતકોનો આંક ૧૬૭ સુધી પહોંચી ગયો છે.

ગુરૂવારે વરસાદ અને પૂરને કારણે ૩૦ લોકોનાં મોત નીપજયા છે. આવનારા કેટલાક દિવસોમાં વરસાદની આશંકાને જોતા હાલત વધારે બગડવાનો ખતરો છે.

રાજયનાં ૭ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવી છે. ૩૯માંથી ૩૫ ડેમના ગેટ ખોલવામાં આવ્યાં છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળ જશે. અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર પછી તરત જ પીએમ કેરળ જવા રવાના થશે. રાતે કેરળમાં જ રોકાશે અને શનિવારે પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે.કોચ્ચી એરપોર્ટ પર પાણી ભરાઇ ગયું છે. કેટલાક વિમાન પાણીમાં ડુબેલા છે. સ્થિતિને જોતા કોચ્ચિ એરપોર્ટને ૨૬ ઓગસ્ટ સુધી બંધ કરવામાં આવ્યો છે.વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે રેસ્કયૂ ઓપરેશનનું કામ ચાલી રહ્યું છે. કેરળના એર્નાકુલમનીમાં જયાં પાણીની વચ્ચે ફસાયેલા એક બાળકને હેલીકોપ્ટરની મદદથી બચાવવામાં આવ્યો છે. હેલિકોપ્ટરમાંથી એક જવાન ઉતર્યો અને બાળકને પોતાની સાથે બાંધ્યો અને સાવધાનીથી બંન્નેને ઉપર ખેંચ્યાં હતાં.

અરટ્ટપુઝામાં એક નાવડી દ્વારા પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે જથ્થો રવાના થઇ રહ્યો છે. વધુમાં વધુ પ્રયત્નો કરીને લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.લોકોની જીંદગી બચાવવી મોટું કામ છે. અનેક રીતે લોકોને પૂરની વિષમ પરિસ્થિતિમાંથી બહાર લવાઇ રહ્યાં છે.

(3:41 pm IST)