Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ડેટમાં પબ્લિક ઇશ્યુમાં લિસ્ટીંગ સમય ઘટીને છ દિવસ

સેબીના નવા આદેશનો અમલ ૧ ઓકટોબર, ૨૦૧૮થી થઇ જશે

નવી દિલ્હી તા. ૧૭ : સેબીએ ગુરૂવારે ડેટ સિકયુરિટીઝ માટે લિસ્ટિંગનો સમયગાળો ૧૨ દિવસથી ઘટાડીને છ દિવસનો કરી દીધો છે. સિકયુરિટીઝ ઈશ્યુ કરવાની વર્તમાન સ્થિતિ વધુ સરળ કરવા અને ખર્ચ ઘટાડવાના હેતુથી સેબીએ આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત સેબીએ ડેટ સિકયુરિટીઝના પબ્લિક ઈશ્યુ માટે અરજી કરનારા તમામ રોકાણકારો માટે આસ્બા(એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોકડ એમાઉન્ટ) ફરજિયાત બનાવી દીધું છે. સેબીએ તેના સરકયુલરમાં કહ્યું છે કે તેના આ નવા આદેશનો અમલ ૧ ઓકટોબર, ૨૦૧૮થી થઈ જશે.

સેબીએ સરકયુલરમાં કહ્યું છે કે ડેટ સિકયુરિટીઝ, નોન-કન્વર્ટિબલ રિડીમેબલ પ્રેફરન્સ શેર અને સિકયુરિટાઈઝડ ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સના ઈશ્યૂની પ્રક્રિયા વધારે સરળ બનાવવા માટે લિસ્ટિંગનો સમયગાળો ૧૨ દિવસથી ઘટાડીને ૬ દિવસ કરી દેવાયો છે. રોકાણકાર તેમની ચોક્કસ બેન્કમાં અથવા સ્ટોક બ્રોકર, ડિપોઝીટરી પાર્ટિસિપેન્ટ અને ઈશ્યુના રજિસ્ટ્રાર સમક્ષ અરજી જમા કરાવી શકે છે.

સેબીએ કહ્યું હતું કે આસ્બા ફેસિલિટી ફરજિયાત કરવાથી જે બેન્કો અરજીઓ સ્વીકારે છે તેઓ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટનું કલીયરિંગ ઝડપથી શરૂ કરી શકશે. નવો અમલ ઓકટોબરથી અમલી બની જસે.

સેબીએ ઈલેકટ્રોનિક બુક પ્લેટફોર્મ પર સિકયુરિટીઝ ઈશ્યુ કરવાની પ્રક્રિયા સરળ બનાવી છે. સેબીએ રોકાણકારોને ડેટને આધારે પ્રાઈવેટ પ્લેસમેન્ટ ઈશ્યુમાં મલ્ટિપલ બિડ કરવાની મંજૂરી આપી છે અને આ માટે ડિપોઝીટરીઝને ફેસિલિટેટર તરીકે કામ કરવા મંજૂરી આપી છે. હાલની ઓપન બિડિંગ સિસ્ટમ ઉપરાંત સેબીએ કલોઝડ બિડિંગની પણ મંજૂરી આપી છે.(૨૧.૫)

(10:29 am IST)