Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

આરબીઆઈની પાસે ૯ લાખ કરોડની વધુ રકમ

આંકડાઓને લઇને વિવાદ સર્જાયો

નવીદિલ્હી, તા. ૧૭ : સરકાર અને રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલ વચ્ચે કેન્દ્રીય બેંકની પાસે વર્તમાન નવ લાખ કરોડ રૂપિયાની વધારાની બાકી રકમને લઇને અગાઉ વિવાદ થયો હતો. નાણામંત્રાલયનું કહેવું હતું કે, રિઝર્વ બેંકની પાસે ઉપલબ્ધ સંપત્તિ પૈકી ૨૮ ટકા બફર વૈશ્વિક નિયમોથી વધારે છે. વૈશ્વિક સ્તર પર આ પ્રકારની વધારાની બાકી રકમ ૧૪ ટકા રાખવામાં આવે છે પરંતુ આ રકમ ૨૮ ટકાથી વધારે હતી.

ત્યારબાદ ૧૯મી નવેમ્બર ૨૦૧૮ના દિવસે રિઝર્વ બેંક બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય બેંકની પાસે વધારાની બાકી રકમના યોગ્ય સ્તરની સમીક્ષા અને સુચનો કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. વિતેલા વર્ષોમાં રિઝર્વ બેંકની પાસે રહેલી વધારાની બાકી રકમના યોગ્ય સ્તર પર ત્રણ સમિતિની રચનાકરવામાં આવી ચુકી છે જે પૈકી સૌથી પહેલા ૧૯૯૭માં વી સુબ્રમણ્યમ સમિતિ, ૨૦૦૪માં ઉષા થોરાટ સમિતિ અને ૨૦૧૩માં માંલેગાવ સમિતિ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. સુબ્રમણ્યમ સમિતિએ આકસ્મિક રિઝર્વ ભંડોળ ૧૨ ટકા રાખવાનું સૂચન કર્યું હતું જ્યારે થોરાટ સમિતિએ ૧૮ ટકાનું સ્તર રાખવા માટે સૂચન કર્યું હતું. આ સૂચનો ઉપર વિચારણા થઇ હતી.

(7:37 pm IST)