Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

કોંગ્રેસ પ્રમુખપદની રેસમાં મનમોહનસિંહ અને મુકુલ વાસનિકના નામ સૌથી આગળ

નવી દિલ્હી, તા. ૧૭ : કોંગ્રેસમાં અધ્યક્ષપદ માટેની તપાસ હજી સમાપ્ત નથી થઇ. પક્ષ બધા વિકલ્પો પર વિચારી રહ્યો છે. સુત્રો અનુસાર, હાલમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને કોંગ્રેસ મહાસચિવ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુકુલ વાસનિકના નામો પર ગંભીરતાપૂર્વક ચર્ચા ચાલી રહી છે, જોકે તેના પર સંમતિ નથી સાધી શકાઇ.

સુત્રો અનુસાર, મનમોહનસિંહનું નામ પક્ષના કેટલાક સીનીયર નેતાઓ તરફથી આવ્યું છે અને દલીલ એવી કરાઇ રહી છે કે મનમોહનને અધ્યક્ષ બનાવીને તેમની નીચે ૪ વર્કીંગ પ્રેસીડેન્ટ બનાવવામાં આવે જે ચાર અલગ અલગ ઝોનનું પ્રતિનિધિત્વ કરતા હોય અને અલગ જાતિઓના હોય. મનમોહનસિંહનો પ્લસ પોઇંટ એ છે કે તેમની છબી સાફ સુથરી અને ઇમાનદાર વ્યકિત તરીકેની છે. જો તે અધ્યક્ષ બને તો તેમના હાથ નીચે કામ કરવામાં કોંગ્રેસ પક્ષના કોઇ નેતાને મુશ્કેલી નહીં પડે અને જૂથવાદ પર પણ લગામ આવશે.

પણ મનમોહનસિંહનું નામ આગળ વધારવામાં આડે આવતી એક માત્ર બાબત તેમની ઉંમર છે. તેઓ લગભગ ૮૬ વર્ષના છે. કોંગ્રેસ પ્રમુખ તરીકે તેમણે બધા રાજયોનો પ્રવાસ કરવો, જાહેર સભાઓ સંબોધવી વગેરે તેમની તબિયત જોતા અઘરૂ છે.

મનમોહનસિંહ ઉપરાંત કોંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિકના નામ પર પણ વિચાર થઇ રહ્યો છે. તેમની તરફેણમાં એવી દલીલ છે કે તેમની પાસે સંગઠનમાં કામ કરવાનો ૪૦ વર્ષનો અનુભવ છે. તેમણે કોંગ્રેસના બધા પદો પર સફળતાપૂર્વક કામ કર્યું છે. ઉપરાંત તેમની છબી સાફસુથરા દલિત નેતા તરીકેની છે. તેમના પર આજ સુધી જુથવાદ કે લાંચનો કોઇ આરોપ આજ સુધી નથી મુકાયો. તેઓ બે વાર સાંસદ પણ રહી ચૂકયા છે અને મનમોહન સરકારમાં પ્રધાન પણ રહી ચૂકયા છે.

(3:38 pm IST)