Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

વિદેશી દાન મેળવનાર એનજીઓ પર સરકારની સખ્તાઇ : પાંચ વર્ષોમાં ૧૪૮૦૦ એનજીઓ ને તાળા મારી દેવાયા

નવી દિલ્હી તા. ૧૭: એન ડી એ સરકારમાં વિદેશમાંથી ધન મેળવનાર સ્વયંસેવી સંસ્થાઓ માટે ''અચ્છે દિન '' નથી રહ્યા. કેન્દ્ર સરકાર વિદેશમાંથી દાન મેળવતી એનજીઓ પર સતત ચાબુક ચલાવી રહી છે. આંકડાઓ દર્શાવી રહ્યા છે કે આવી સંસ્થાઓ  તરફ સરકાર ખફા નજરે જોઇ રહી છે. છેલ્લા પાંચ વર્ષોમાં સરકારે ૧૪૮૦૦ થી વધારે બિન સરકારી સંગઠનોની માન્યતા  રદ કરી છે. આ બધા સંગઠનો વિદેશી દાન નિયમન કાયદા (એફસીઆરએ) હેઠળ રજીસ્ટર થયા હતા.

એક લેખિત સવાલના જવાબમાં કેન્દ્રિય પ્રધાન નિત્યાનંદ રાયે જણાવ્યુ કે આ એનજીઓના રજીસ્ટ્રેશન એટલા માટે રદ કરવામાં આવ્યા હતા કે તેમણે વિદેશી દાન નિયમન કાયદાનું  ઉલ્લંઘન કર્યુ હતુ. તેમણે આગળ કહ્યુ હતુ કે વિભીન્ન સ્વયં સેવી સંસ્થાઓ દ્વારા ૨૦૧૭-૧૮ના વર્ષમાં ૧૬૮૯૪.૩૭ કરોડ રૂપીયા વિદેશમાંથી દાન સ્વરૂપે આપ્યા હતા. જ્યારે ૨૦૧૬-૧૭માં ૧૫૩૪૩.૧૫ કરોડ અને ૨૦૧૫-૧૬માં દાનની રકમ ૧૭૮૦૩.૨૧ કરોડ હતી.

ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે ગઇ કાલે સંસદમાં એક સવાલના જવાબમાં એમ પણ જણાવ્યુ હતુ કે ૪૧૩૩૧ પાકિસ્તાની અને ૪૧૯૩ અફઘાન નાગરિક ભારતમાં રહી રહ્યા છે. તેમણે કહ્યુ કે આ બધા નાગરિકો જે તે દેશના લઘુમતી સમુદાયોમાંથી આવેલા છે.

(1:20 pm IST)