Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

રાષ્ટ્રિય પક્ષનો દરજજો ખોઇ શકે છે સીપીઆઇ, એનસીપી અને ટીએમસી

ચુંટણી પંચ આપી શકે છે કારણદર્શક નોટીસ

નવી દિલ્હી તા.૧૭: તાજેતરની લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત પ્રદર્શન ન થયા પછી એનસીપી, તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય કમ્યુનીસ્ટ પાર્ટી (સીપીઆઇ) રાષ્ટ્રીય પક્ષનો પોતાનો દરજ્જો ખોઇ શકે છે.

સુત્રોએ જણાવ્યું કે આગામી દિવસોમાં આ રાજકીય પક્ષોને ચૂંટણી પંચ દ્વારા કારણદર્શક નોટીસ અપાવાની શકયતા છે, જેમાં તેમનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો કેમ સમાપ્ત ન કરવો તેવું પુછવામાં આવશે.

સીપીઆઇ, બસપા અને એનસીપી ૨૦૧૪ની લોકસભા ચુંટણી ખરાબ પ્રદર્શન પછી પણ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ખોવાના સંકટનો સામનો કરી રહી હતી. જો કે ૨૦૧૬માં તેમને રાહત મળી હતી કેમકે ચુંટણી પંચે પોતાના નિયમોમાં સુધારા કરીને કહ્યું હતું કે રાજકીય પક્ષોના રાષ્ટ્રીય અને રાજય સ્તરના દરજ્જાની સમિક્ષા પાંચ વર્ષને બદલે દર દસ વર્ષે કરાશે.

બસપા પાસે હાલમાં લોકસભામાં ૧૦ બેઠકો અને વિધાનસભામાં કેટલીક બેઠકો હોવાથી તેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવવાનો ભય નથી. ચુંટણી પ્રતીક આદેશ ૧૯૬૮ હેઠળ જયારે કોઇ રાજકીય પક્ષના ઉમેદવારો લોકસભા અથવા ધારાસભાની ચુંટણીમાં ચાર અથવા તેનાથી વધારે રાજયોમાં ઓછામાં ઓછા ૬ ટકા મત મેળવે ત્યારે જ તેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળી શકે. આ ઉપરાંત લોકસભામાં તેના ઓછામાં ઓછા ૪ સાંસદ હોય. તેની પાસે કુલ લોકસભા બેઠકોની ઓછામાં ઓછી ર ટકા બેઠકો હોવી જોઇએ અને તેના ઉમેદવારો ઓછામાં ઓછા ત્રણ રાજયોમાંથી આવવા જોઇએ.

(1:15 pm IST)