Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

એશિયામાં ૧૨ ટકા લોકો કુપોષણગ્રસ્ત

૨૦૧૮માં ૮૨ કરોડથી વધુ લોકો રોજ રાતે ભૂખ્યા ઊંઘવા માટે મજબૂરઃ યુએન રિપોર્ટ

વોશિંગ્ટનઃ તા.૧૭: દુનિયામાં ભૂખમરો અને કુપોષણની સમસ્યા છેલ્લા ત્રણ વર્ષથી સતત વધી રહી છે. સંયુકત રાષ્ટ્ર ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને સોમવારે આ વિશે એક રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ પ્રમાણે ૨૦૧૮માં ૮૨.૧૦ કરોડ લોકો રોજ રાતે ભૂખ્યા ઊંઘવા માટે મજબુર છે. ૨૦૧૭માં તેમની સંખ્યા ૮૧.૧૦ કરોડ હતી. વર્તમાનમાં દુનિયામાં ૧૪.૯ કરોડ બાળકો ભૂખ સમસ્યા સાથે જોડાયેલા છે.

 

રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, જળવાયુ પરિવર્તન અને યુદ્ધ જેવી સ્થિતિના કારણે વિશ્વમાં કુપોષણ અને ભૂખમરા જેવી સમસ્યા વધી છે. યુએન દ્વારા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે કે, ૨૦૩૦ સુધી આ સમસ્યાને સંપૂર્ણ રીતે ખતમ કરવી જોઇએ જેથી લોકોનો શારિરીક અને માનસિક વિકાસ થઇ શકે. વિશ્વ ખાદ્ય કાર્યક્રમના પ્રમુખ ડેવિડ બૈસલી પ્રમાણે-આપણે ૨૦૩૦ સુધીમાં શૂન્ય ભુખમરાનો લક્ષ્ય ન મેળવી શકીએ.

 

આફ્રિકા દેશમાં કુલ જનસંખ્યાના લગભગ ૨૦ ટકા લોકો કુપોષણગ્રસ્ત છે. જ્યારે એશિયામાં એવા ૧૨ ટકા છે. જો લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોની વાત કરીએ તો નહીં કુલ જનસંખ્યાના ૭ ટકા લોકો આ સમસ્યાથી જોડાયેલા છે. ઉત્તર અમેરિકા અને યુરોપમાં ૮ ટકા લોકો કુપોષણગ્રસ્ત છે. એફએઓના અધિકારીઓએ કહ્યું કે, આ સમસ્યાને દૂર કરવા માટે દરેક દેશે ચોક્કસ નીતિ બનાવવી જોઇએ.

(11:56 am IST)