Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ભાજપ-કોંગ્રેસના ૭૦ ધારાસભ્યોને ઇન્કમટેક્ષની નોટીસ

ઇતિહાસમાં પહેલીવાર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓમાં આયકર ખાતાની ઝપટે ચડયાઃ એફીડેવિટ અને રિટર્નમાં વિસંગતતા જણાતા આપી કવેરી : જવાબ સંતોષજનક નહિ મળે તો પગલા લેવાશે

નવી દિલ્હી, તા.૧૭: ઇન્કમ ડેકલેરેશન મુદ્દે ગુજરાતના ૭૦ જેટલા ધારાસભ્યોને આવકવેરા ખાતા દ્વારા કવેરી આપવી હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મૂજબ ગુજરાત વિધાનસભાના ૧૮૨ ધારાસભ્યો પૈકી ૪૦% એટલે કે ૭૦ ધારાસભ્યોને ઇન્કમ ટેકસ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. વિભાગે ધારાસભ્યોને ૨૦૧૭ વિધાસભા ચૂંટણી પહેલા તેમના દ્વારા કરવામાં આવેલ અફિડેવિટ અને ભરવામાં આવેલ આઈટી રિટર્ન બંનેમાં રહેલા ઉડીને આંખે વળગતા તફાવતને લઈને પ્રશ્નો પૂછ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના મળીને ૭૦ ધારાસભ્યો ઇન્કમ ટેકસ વિભાગની ઝપટમાં આવી ગયા છે.

 

રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે અત્યાર સુધીમાં પહેલીવાર એવું બન્યું હશે કે આટલી મોટી સંખ્યામાં ચૂંટાઈને આવેલા પ્રતિનિધોઓને ઈન્કમ ટેકસ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હોય. આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું કે, 'મને જાણમાં છે કે અનેક ધારાસભ્યોને ઇન્કમ ટેકસ વિભાગની નોટિસ મળી છે અને જન પ્રતિનિધિ તરીકે આપણી ફરજ છે કે કાયદાની સંગત ચાલીને સહકાર આપવો.'

તેમણે વધુમાં કહ્યું કે, 'ચૂંટણી પંચ દ્વારા ઇન્કમ ટેકસ વિભાગને આ પ્રકારની વિસંગતતાવાળી એફિડેવિટ અલગ તારવવા માટે જણાવાયું હતું જેના ભાગરુપે જ વિભાગ ધારાસભ્યોને નોટિસ પાઠવીને વધુ સ્પષ્ટતા લઈ રહ્યું છે. મને આવી કોઈ નોટિસ મળી નથી.' જોકે રાજયમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યોને નોટિસ મળતા રાજકીય વર્તુળોમાં ભૂકંપ સર્જાયો છે. સૂત્રોનું માનીએ તો ધારાસભ્યો ઉચ્ચ અધિકારીઓને મળવા માટે અને તેમની મદદ લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

આ મામલે ગુજરાત ઇન્કમ ટેકસ વિભાગના ઉચ્ચાધિકારીએ સ્વિકાર્યું હતું કે ધારાસભ્યોને નોટિસ પાઠવવામાં આવી છે. જોકે કોને કોને આ પ્રકારની નોટિસ આપવામાં આવી છે તેની માહિતી ગોપનિયતાના કાયદાનો હવાલો દર્શાવી આપી નહોતી.અધિકારીએ કહ્યું કે, 'વિભાગના કેટલાક અધિકારીઓ ભારતીય ચૂંટણી પંચ દ્વારા બનાવવામાં આવેલ ખાસ વિજિલન્સ ટીમમાં સભ્યો છે અને જન પ્રતિનિધિઓ દ્વારા એફિડેવિટ કરવામાં આવ્યા બાદ તેમાંથી વિસંગતી શોધવાનું કામ શરું કરવામાં આવ્યું હતું.'

સમગ્ર મામલે જાણકારી રાખનારા એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, 'તમામ ધારાસભ્યોને આ વિસંગતી મામલે સ્પષ્ટતા કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે. જો તેમનો જવાબ સંતોષજનક નહીં જણાય તો નિયમ મુજબ તેમની વિરુદ્ઘ પગલા લેવામાં આવી શકે છે.'

(11:44 am IST)