Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

મુખ્યપ્રધાન રૂપાણી અસરગ્રસ્ત વિસ્તારોમાં : સ્થિતિની સમીક્ષા

રૂપાણીનો સાંજે કાફલો વેરાવળ ખાતે પહોંચ્યો : ખરાબ હવામાનના લીધે કેશોદમાં ઉતરાણની તક ન મળી આજે મળનાર કેબિનેટની બેઠક રદ કરવાનો નિર્ણય કરાયો

અમદાવાદ,તા. ૧૭ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવવા માટે પહોંચી ગયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હેલિકોપ્ટરને ખરાબ હવામાનના કારણે કેશોદ વિમાની મથકે ઉતરાણ કરવાની પહેલા મંજુરી મળી ન હતી. રૂપાણીએ આજે સતત બીજા દિવસે પણ એરફોર્સના ખેસ હેલિકોપ્ટર મારફતે રવાના થયા હતા. પુરની સમીક્ષા પણ કરી હતી. આવતીકાલે બુધવારના દિવસે મળનારી કેબિનેટ બેઠક પણ રદ કરી દેવામાં આવી છે. રાજકોટ જતી વેળા ખરાબ હવામાનના લીધે મુખ્યમંત્રીના હેલિકોપ્ટરને જેતપુરમાં ઉતરાણ કરવાની ફરજ પડી હતી. મંત્રીમંડળના સભ્યોને પણ પુરગ્રસ્ત વિસ્તારોમાં જઇને નિરીક્ષણ કરવા કહેવામાં આવ્યું છે.  મુખ્યમંત્રી ગીરસોમનાથ જિલ્લામાં પહોંચ્યા હતા અને પુર અને અતિવૃષ્ટિથી ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા કરી હતી.

મોડેથી રૂપાણી વેરાવળ કલેક્ટર ઓફિસમાં પહોંચ્યા હતા. જ્યાં જરૂરી માહિતી મેળવી હતી. કેશોદથી તેમનો કાફલો વેરાવળ પહોંચ્યો હતો. કલેક્ટર ઓફિસમાં થોડાક સમય સુધી બેઠક ચાલી હતી. બીજા બાજુ ગીર સોમનાથ જીલ્લો છેલ્લા એક અઠવાડિયાથી મેઘ મહેર તરબોળથી ભીંજાઈ રહ્યો છે. ગીર-સોમનાથ જીલ્લામાં આજે સવારના ૬ થી સાંજના ૬ સુધી પડેલ વરસાદ વેરાવલ ૨૪ મીમી, તલાલા ૮૪ મી.મી સુત્રાપાડા ૪૦ મી.મી, કોડીનાર ૬૫ મી.મી ઊના ૨૭૯ મીમી, ગીરગઢડા ૩૬૪ મીમી અને હજુ પણ ધીમીધારે વરસાદ ચાલુ છે. હિરણ-૨ ડેમ ઉપર ૫૭૭ મીમી વરસાદ પડેલ છે અને ડેમના ચાર દરવાજા આજે સવારે ૧૦.૧૫ કલાકે અડધો-અડધો ફુટ એટલે ૦.૧૫ મીટર ખુલવામાં આવ્યા હતા અને ૪૬.૩૧ ક્યુસેક પાણીનો જથ્થો વહેતો કરાયો હતો. નીચાણવાળા વિસ્તારોને સલામતીની જાણ કરવામાં આવી હતી. ત્રિવેણી સરસ્વતી નદી હિરણમાં જોરદાર પુર આવતા લોકોના ટોળા પુર જોવા ઉમટ્યા હતા.

(8:31 pm IST)