Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

બજારમાં તેજી : સેંસેક્સ ૧૯૬ પોઇન્ટ ઉછળીને અંતે બંધ રહ્યો

પીએસયુ બેંકના શેરમાં જોરદાર ઉછાળો નોંધાયો : સેંસેક્સ કારોબારના અંતે ૩૬૫૨૦ની ઉંચી સપાટી ઉપર નિફ્ટી ૭૧ પોઇન્ટ ઉછળીને બંધ : કારોબારીઓને રાહત

નવીદિલ્હી,તા. ૧૭ : શેરબજારમાં આજે તેજી જોવા મળી હતી. કારોબારની શરૂઆત થયા બાદથી ઉતારચઢાવના અંતે સેંસેક્સમાં તેજી રહી હતી. સેંસેક્સ ૧૯૬ પોઇન્ટ ઉછળીને ૩૬૫૨૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૭૧ પોઇન્ટ ઉછળીને ૧૧૦૦૮ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૩.૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. જ્યારે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, અલ્હાબાદ બેંક, બેંક ઓફ બરોડા, પીએનબી સહિતના શેરમાં છ ટકાથી ૮.૫ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ઉલ્લેખનીય ઉછાળા માટે જુદા જુદા કારણો જવાબદાર રહ્યા હતા. ઓઇલ કંપનીઓના શેરમાં તેજી નોંધાળી હતી. આવી જ રીતે એરલાઈન્સમાં પણ તેજી રહી હતી. નિફ્ટી એનર્જી ઇન્ડેક્સમાં ૧.૬ ટકાનો ઉછાળો નોંધાયો હતો. તેલ કંપનીઓમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. અલબત્ત તેલની કિંમતોમાં આજે ઘટાડો રહ્યો હતો. સોમવારના દિવસે તેલ કિંમતો ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઇન્ડિયન ઓઇલ કોર્પના શેરમાં ૬ ટકા અને ૪ ટકાનો ક્રમશઃ ઉછાળો નોંધાયો હતો. એનએસઈ ઇન્ડેક્સમાં આ બંનેમાં ઉલ્લેખનીય સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ હિન્દુસ્તાન યુનિલીવરના શેરમાં ઘટાડો રહ્યો હતો. તેના શેરમાં ૩.૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. હિન્દુસ્તાન યુનિલીવરના શેરમાં ઘટાડો થવા માટે કેટલાક પરિબળો જવાબદાર રહ્યા હતા. જૂન ત્રિમાસિકગાળાના પરિણામો અપેક્ષા કરતા નબળા રહ્યા બાદ તેના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં આજે રિકવરી જોવા મળી હતી. કારણ કે તેલ કિંમતો સ્થિર થઇ હતી. ડોલરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ દ્વારા વ્યાજદરને લઇને નિર્ણય લેવામાં આવનાર છે. શેરબજારમાં આજે તેજી માટે જુદા જુદા પરિબળો જવાબદાર રહ્યા હતા જેમાં પીએનબી સહિત છ બેંકોમાં નાણા ઠાલવવાને લઇને નિર્ણયની આશા જાગી હતી. સેબીઆઈ અને બેંક ઓફ બરોડામાં ઉછાળો નોંધાયો હતો. ૮૦ અબજ રૂપિયાની મૂડી પીએનબી સહિત છ બેંકોમાં ઠાલવવામાં આવનાર છે તેવા અહેવાલથી તેજી જામી હતી. નિરવ મોદી કૌભાંડના પરિણામ સ્વરુપે પીએનબી બેંક હચમચી ઉઠી હતી. સરકાર તરફથી ૮૦ અબજ રૂપિયાની મૂડી ઠાલવવામાં આવનાર છે તેવા અહેવાલથી તેજી જામી છે. નાણામંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને એક અંગ્રેજી અંગ્રેજી અખબારમાં અહેવાલ પ્રકાશિત કરાયા બાદ બેંકિંગ શેરોમાં તેજી રહી હતી.

(7:40 pm IST)