Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ઉત્તર ભારતમાં દુકાળના ઓછાયા- દક્ષિણ અને પૂર્વમાં જોરદાર વરસાદઃ સૌથી ઓછો ઉત્તરપ્રદેશમાં વરસ્યો મેઘો

ગોવા, કોંકણ વિસ્તાર, ગુજરાતના કેટલાક ભાગો અને છત્તિસગઢ માટે હવામાન ખાતાની ''રેડ- કોડેડ'' ચેતવણી

નવી દિલ્હી,તા.૧૭: ચોમાસુ બેસ્યુ તેને દોઢ મહીનાથી વધુનો સમય થઈ ગયો હોવા છતા ઉત્તર ભારતમાં કેટલાય રાજયોમાં ઓછા વરસાદની ચિંતા સતાવી રહી છે. હવામાન ખાતા મુજબ ૧૧ જુલાઈ સુધીમાં રાષ્ટ્રીય સ્તરે ૮ ટકા ઓછો વરસાદ થયો છે. જયારે અન્ય રાજયો ઉપર નજર નાખીએ તો સૌથી ઓછો વરસાદ ઉત્તરપ્રદેશમાં થયો છે. દેશના ૩૯ ટકા ભાગોમાં હજી એવરેજથી ઓછો વરસાદ થયો છે. જે કેટલાક રાજયોમાં દુષ્કાળના સંકેત આપે છે.

દક્ષીણ, પૂર્વ અને પૂર્વોત્તરના રાજયોમાં એવરેજથી વધુ વરસાદ થયો છે. ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ જેવા રાજયો હજી પુરતા વરસાદની રાહમાં છે.

યુપી, બિહાર અને ઝારખંડ વરસાદ માટે તરસી રહ્યા છે. પૂર્વી યુપીમાં ૫૫ ટકા ઓછો જયારે ઝારખંડમાં ૩૯ ટકા અને ઉત્તરાખંડમાં ૧૦ ટકા વરસાદ ઓછો પડયાનું ૧૧ જુલાઈ સુધીના આંકડાઓ દર્શાવે છે.

દેશભરમાં ૧૫ જુલાઈ સુધીમાં કુલ ૫ ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જયારે ૫ થી ૧૧ જુલાઈ દરમ્યાન ૧૧ ટકા વરસાદ રાષ્ટ્રીય સ્તરે ઓછો પડ્યો છે. ૧૧ જુલાઈ સુધીમાં યુપી- બિહારમાં મોટા ભાગના વિસ્તારોમાં ૨૫ ટકાથી પણ ઓછો વરસાદ પડયો છે. ૨૯ જુને દિલ્હીમાં ચોમાસુ પહોંચી ગયેલ જે તેનો યોગ્ય સમય છે.

પૂર્વી અને પૂર્વોત્તર ભારતમાં એવરેજથી ૩૦ ટકા વધુ વરસાદ વરસી ચુકયો છે. દક્ષીણ અને મધ્ય ભારતમાં ૧૭ ટકા જયારે તામીલનાડુ અને પોન્ડીચેરીમાં ૩૧ ટકા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તેલંગાણા, તામીલનાડુ, તટીય આંધ્રપ્રદેશ, વિદર્ભ, કોંકણ, ગોવા, તટીય કર્ણાટક, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, પૂર્વી અને પશ્ચિમી રાજસ્થાન, જમ્મુ- કાશ્મીર અને પંજાબમાં પણ એવરેજથી વધુ વરસાદ પડ્યો છે.

હવામાન ખાતાના પૂર્વાનુમાન મુજબ કાલથી યુપી અને બિહારમાં જોરદાર વરસાદ થઈ શકે છે. સાથો સાથ હરિયાણા અને દિલ્હીમાં પણ સારો વરસાદ પડી શકે છે.વરસાદના કારણે ગોવા, કોંકણ વિસ્તાર, ગુજરાતના કેટલાક ભાગો અને છત્તિસગઢ માટે હવામાન ખાતાએ ''રેડ કોડેડ'' ચેતવણી જાહેર કરી છે. ''રેડ- કોડ'' ચેતવણી સંકેત આપે છે અને અલગ - અલગ એજન્સીઓ દ્વારા જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરે છે.

(3:45 pm IST)