Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

નવી દુરસંચાર નીતિ આવે છે : ઘટશે મોબાઇલ બિલ

બજારમાં સ્પર્ધા વધારવા સ્પેકટ્રમ અને લાયસન્સ ફી ઓછી રખાશે

નવી દિલ્હી, તા. ૧૭ : ગ્રામ્ય અને દૂર દૂરના વિસ્તારોમાં સસ્તી દુરસંચાર સેવા ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકાર એક ખાસ પગલુ ઉઠાવી રહી છે. નવી દુરસંચાર નીતિમાં સરકારે બજારમાં હરિફાઇ વધારવા માટે સ્પેકટ્રમ અને લાઇસન્સના દર ઘટાડવાનો નિર્ણય કર્યો છે. જેના લીધે નાની કંપનીઓને પણ મોકો મળશે. ઉપરાંત ગ્રાહકોના પ્રીપેડ અને પોસ્ટપેડ બીલમાં પણ ઘટાડો થશે. એવું મનાઇ રહ્યું છે કે આવતા અઠવાડીયે કેબીનેટ નવી ટેલીકોમ નીતિને લીલીઝંડી આપશે.

દુરસંચાર આયોગ દ્વારા મંજુર થયેલ દુરસંચાર નીતિમાં નાણા મંત્રાલયે કંપનીઓ પરનો ટેક્ષ ઘટાડવાનો પ્રસ્તાવ મૂકયો હતો. જેનો ઉદ્ેશ ગ્રામ્ય અને દૂર સુદુરના વિસ્તારો સુધી સંચાર સેવા સુધારવાની સાથે હરિફાઇ વધારવાનો હતો.

દુરસંચાર મંત્રાલયના એક અધિકારી અનુસાર બજારમાં હરિફાઇ વધવાનો પહેલો ફાયદો ગ્રાહકોને મળે છે એવું અનુમાન છે કે સ્પેકટ્રમ અને લાઇસન્સના દરો ઘટવાથી સેવા લેવા વાળાના બીલમાં ૧૦થી ૧પ ટકાનો ઘટાડો થશે. હાલમાં દુર સંચાર કંપનીઓ પોતાના આવકના ૪૦ ટકાથી વધારે રકમ ટેક્ષરૂપે ચૂકવે છે. જેના લીધે કંપનીઓને પોતાના સેવા વિસ્તરીત કરવામાં મુશ્કેલી ઉભી થાય છે અને પછાત વિસ્તારોમાં સંચાર સેવા નથી પહોંચી શકતી. તેમણે કહ્યું કે, આ કારણે જ દુર સંચાર આયોગે નવી નીતિમાં નાણામંત્રાલયના આ પ્રસ્તાવને સામેલ કર્યો છે જે લાગુ થતા કંપનીઓની સાથે સાથે ગ્રાહકોને પણ રાહત મળશે.

૪૦ લાખ નવી નોકરીઓ ઉભી થશે

દુરસંચાર મંત્રાલય અનુસાર, નવી દુર સંચાર નીતિનો ઉદ્ેશ ફકત ટેક્ષ મેળવવાનો નહીં, પરંતુ દેશના દરેક ખૂણે સંચાર વ્યવસ્થા મજબૂત કરવાનો છે. કંપનીઓ પરનો કરબોજ ઓછો કરવા માટે અલગ અલગ સ્લેબની જગ્યાએ એક જ સ્લેબનો ટેક્ષ રાખવામાં આવશે. સાથે જ સ્પેકટ્રમમાં પણ આ રીતની વ્યવસ્થા હશે જેથી કંપનીઓ પોતાની સેવાઓનું વિસ્તરણ ઝડપથી કરશે.

ઉલ્લેખનીય છે કે, નવી નીતિનો ઉદે્ેશ ર૦રર સુધીમાં ૪૦ લાખ નવી નોકરીઓ ઉભી કરવાનો પણ છે. આ ઉપરાંત ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષીત કરવાનો અને દરેક નાગરિકને માટે પ૦ એમબીપીએસ બ્રોડબેંડ કવરેજ આપવાનું પણ છે.

દુર સંચાર આયોગ દ્વારા મંજુર થયેલ નીતિમાં આ ક્ષેત્રની સમસ્યાઓનું સમાધાન પણ કરાયું છે. જેમાં લાઇસન્સ અને સ્પેકટ્રમના ઉપયોગ શુલ્ક, સાર્વભૌમિક બાધ્યતા કોષ શુલ્ક પણ શામેલ છે.

(11:30 am IST)