Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ટ્રાફીક પોલીસ વગેરેએ વાહનોના દસ્તાવેજોનું ડીઝીટલ વર્ઝન સ્વીકારવું પડશે

કેન્દ્ર સરકાર મોટર વ્હીકલ એકટમાં ફેરફાર કરવા જઈ રહી છેઃ તમામ દસ્તાવેજોનું ઈ-વર્ઝન સ્વીકારવાનું ફરજીયાત બનશેઃ આવતા બે દિવસમાં રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય એડવાઈઝરી જારી કરશેઃ રેતી, કપચી વગેરે બાંધકામ સામગ્રી લઈ જતા ટ્રકોને આ ચીજવસ્તુઓ બંધબોડી કે કન્ટેનરમાં લઈ જવા પડશેઃ લાંબા અંતરે જતા ટ્રકોમાં બે ડ્રાઈવરો રાખવા પડશેઃ વ્હીકલ ટ્રેસીંગ સિસ્ટમ પણ લગાવવી પડશે

નવી દિલ્હી, તા. ૧૭ :. કેટલાક રાજ્યોના સ્ટેટ ટ્રાન્સપોર્ટ સત્તાવાળાઓ અને ટ્રાફીક પોલીસ દ્વારા ડ્રાઈવીંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન સર્ટીફીકેટનું ડીઝીટલ વર્ઝન સ્વીકાર્ય કરવામાં આવતુ નથી એવી મળેલી ફરીયાદો બાદ કેન્દ્ર સરકાર હવે મોટર વ્હીકલ એકટમાં ફેરફાર કરી વાહનોના તમામ દસ્તાવેજોનું ડીઝીટલ વર્ઝન સ્વીકાર્ય બને તેવુ કરવા જઈ રહી છે. જે દસ્તાવેજોનું ડીઝીટલ વર્ઝન સ્વીકાર્ય રહેશે તેમા પીયુસી સર્ટીફીકેટ અને વિમાના કાગળોનો પણ સમાવેશ થશે. આવતા બે દિવસમાં રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય આ અંગે એક એડવાઈઝરી જાહેર કરશે તેવુ પણ જાણવા મળે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય જે નવા નિયમો બનાવી રહ્યુ છે તેમા બાંધકામ માટેની સામગ્રીઓ જેમ કે રેતી, સિમેન્ટ, કપચી, ઈંટ વગેરે લઈ જતા ટ્રકોએ બંધ બોડી અથવા તો કન્ટેનરમાં આ બધી વસ્તુ લઈ જવી પડશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિકસીત દેશોમાં બાંધકામ માટેની સામગ્રી કવર્ડ ટ્રકની અંદર લઈ જવાતી હોય છે. ખુલ્લામાં આવી સામગ્રીઓનુ હવન થવાને કારણે રસ્તાઓ ઉપર તે ઢોળાતુ હોય છે અને જેને કારણે અકસ્માતો પણ થતા હોય છે. અનકવર્ડ ટ્રક પર્યાવરણને પણ નુકશાન કરે છે તેવુ સૂત્રો ઉમેરે છે. જે નવા નિયમો તૈયાર કરાયા છે તેમાં લાંબા અંતરે જતા ટ્રકમાં બે ડ્રાઈવરો રાખવાનું પણ ફરજીયાત બનશે.

મંત્રાલયે તમામ નેશનલ પરમીટવાળા વાહનોમાં ફાસ્ટ ટેગ, ફીકસીંગ રીફલેકટીવ ટેપ અને વ્હીકલ ટ્રેસીંગ સીસ્ટમ પણ ઈન્સ્ટોલ કરવાની રહેશે. વધુમાં તમામ નવા કોમર્શીયલ વાહનો માટે ફીટનેસ ટેસ્ટ જરૂરી બનશે નહીં. જ્યારે જૂના વાહનો માટે દર વર્ષે આવી ટેસ્ટને બદલે દર બે વર્ષે ફીટનેસ ટેસ્ટ લાગુ થશે. જેને કારણે આવા વાહનોને રાહત મળશે. ૮ વર્ષ જૂના હોય તેઓને વાર્ષિક ફીટનેસ ટેસ્ટમાંથી પસાર થવુ પડશે.(૨-૭)

 

(10:53 am IST)