Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

હિન્દી-ગુજરાતી ફિલ્મો અને સિરીયલોના જાણીતા અભિનેત્રી રીટા ભાદુરીનું અવસાન

અભિનય યાત્રા ૧૯૬૮થી શરૂ થઇ, જીવનના અંત સુધી અવિરત રહીઃ લખનોૈમાં જન્મ થયો હતોઃ હાલમાં સ્ટાર ભારત ચેનલના ટીવી શો 'નિમકી મુખીયા'માં દાદીમાના રોલમાં અભિનય કરતાં હતાં: બિમાર હોવા છતાં સેટ પર સમયસર પહોંચી જતાં હતાં

મુંબઈ, તા. ૧૭ :. હિન્દી અને ગુજરાતી ફિલ્મો તથા ટીવીની જાણીતી અભિનેત્રી રીટા ભાદુરીનું આજે દુઃખદ અવસાન થયુ છે. તેઓ ૬૨ વર્ષના હતા. કિડનીની બિમારીને કારણે તેમનું અવસાન થયુ હોવાનું જાણવા મળે છે. મુંબઈની એક હોસ્પીટલમાં ૧૦ દિવસથી આઈસીયુમાં દાખલ થયેલા રીટા ભાદુરી પાંચ દાયકાથી ટેલીવિઝનની દુનિયામાં છવાયેલા હતા. સ્ટાર પ્લસની નિમકી મુખીયામાં તેઓ અભિનય કરી રહ્યા હતા. તેમણે આ સિરીયલમાં ઈમરતીદેવીની ભૂમિકા ભજવી છે. આજે બપોરે અંધેરી ઈસ્ટમાં તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

રીટા ભાદુરીએ કુમકુમ, સારાભાઈ વિરૂદ્ધ સારાભાઈ, અમાનત સહિતની સફળ ટીવી સિરીયલો સહિત ૨૦ જેટલા ટીવી શોમાં પોતાની અભિનય ક્ષમતાના ઓજસ પાથર્યા હતા.

રીટા ભાદુરીએ ૩ દાયકાઓથી મનોરંજનની દુનિયામાં અલગ અલગ ભૂમિકાઓ ભજવીને દર્શકોના દિલ જીતી લીધા હતા. રીટા ભાદુરીએ ૭૦થી વધુ ફિલ્મો જેમ કે રાજા, જુલી, બેટા, દિલવીલ પ્યાર વ્યાર ઉપરાંત ૩૦ જેટલા ટીવી શો માં પણ કામ કર્યુ હતું. અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યુ હતું.

રીટા ભાદુરીનો જન્મ ઉત્તર પ્રદેશના લખનોૈમાં ૪ નવેમ્બર ૧૯૫૫ના રોજ થયો હતો. તેમણે અભિનય યાત્રાની શરૂઆત ૧૯૬૮થી કરી હતી અને ૨૦૧૮ સુધી એટલે કે જીવનના અંત સુધી આ અભિનય યાત્રા અવિરત રહી હતી. હાલમાં તેઓ સ્ટાર ભારત ચેનલ પરના ટીવી શો 'નિમકી મુખીયા'માં દાદીમાના રોલમાં જોવા મળતાં હતાં. પોતાના કામ પ્રત્યે એટલા સમર્પિત અને નિષ્ઠાવાન હતાં કે બિમાર રહેતાં હોવા છતાં ટીવી શોના સેટ પર સમયસર પહોંચી જઇ પોતાના ભાગના દ્રશ્યોનું શુટીંગ પુરૂ કરતાં હતાં.

સ્વ. રીટા ભાદુરીએ ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કરીને દર્શકોના દિલમાં અનેરૂ સ્થાન ઉભુ કર્યુ હતું. મુળ યુ.પી.ના હોવા છતાં તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ સારી ચાહના ઉભી કરી હતી. તેમણે ૭૧ થી વધુ હિન્દી-ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો હતો એ ફિલ્મોની ઝલક જોઇએ તો તેરી તલાશ મેં (૧૯૬૮), કન્યાકુમારી (૧૯૭૫), જુલી, ઉધાર કી જિંદગી, કુલવધૂ, આઇના, ખૂન કીપ ૂકાર, વિશ્વનાથ, કોલેજ ગર્લ, સાવન કો આને દો, કાશીનો દિકરો, ગોપાલ ક્રિષ્ના, નાગિન ઓૈર સુહાગન, ખંજર, રાધા ઓૈર સિતા, હમ નહિ સુધરેંગે, ઉન્નસી બીસ, ગેહરાઇયા, ગરવી નાર ગુજરાતણ, જાગ્યા ત્યારથી સવાર, વોહ ફીર નહિ આઇ, બેઝૂબાન, નાસ્તીક, માયા બઝાર, ફુલન દેવી, મૈં બલવાન, દિલજલા, ઘર મેં રામ ગલી મેં શ્યામ, રામા ઓ રામા, સિંદૂર ઓૈર બંદૂક, નયા ખૂન, નેહરૂ-ધ જ્વેલ ઓફ ઇન્ડિયા, ઘર હો તો ઐસા, તેરી તલાશ મેં, તિલક, અજીબ દાસ્તાં હૈ યે, લવ, બેટા, ખૂની પંજા, દલાલ, રંગ, વિરાસત, હિરો નં. ૧, રાજા, ગેમ, આશિક આવારા, તમન્ના, હોતે હોતે પ્યાર હો ગયા, કયા કહેના, દિલ વિલ પ્યાર વ્યાર, મેં માધુરી દિક્ષીત બનના ચાહતી હું, કેવી રીતે જઇશ સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત અનેક ટીવી શોમાં પણ કામ કર્યુ હતું. જેમાં માહી, એક નયી પહેચાન, આજ કી હાઉસવાઇફ...સબ જાનતી હૈ, બાની-ઇશ્ક દા કલમા, મિસીસ કોૈશિક કી પાંચ બહુએ, ચિરશ્તે, ક્રિષ્નાબેન ખાખરાવાલા, અમાનત, એક મહેલ હો સપનો કા, છોટી બહુ, હમ સબ બારાતી, થોડા હૈ થોડે કી જરૂરત હૈ, જમીના આસમાન સહિતના ટીવી શો સામેલ છે.

આજે તેમની અંતિમ વિધી મુંબઇ અંધેરી ઇસ્ટ પારસી વાડા રોડ ખાતે બપોરે બાર વાગ્યે થઇ હતી. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ડી-૭/૪ જલનિધી, બંગુરાનગર ગોરેગાંવ વેસ્ટ, બરૂન મુખર્જીના ઘરે રાખવામાં આવ્યો હતો. (૨-૧)

(12:28 pm IST)