Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

નંદીગ્રામની ચૂંટણી પરિણામને લઈને મમતા બેનર્જીએ હાઇકોર્ટમાં પડકાર્યુ : કાલે સુનાવણી

કોલકતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નંદીગ્રામ ચૂંટણીના પરિણામોને કલકત્તા હાઈકોર્ટમાં પડકાર્યા છે. આ મામલે શુક્રવારે સુનાવણી થશે. ત્રીજી વખત રાજ્યમાં સત્તા પર આવી ગયેલા મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને ચૂંટણીઓમાં 200થી વધુ બેઠકો મળી હતી, પરંતુ તેઓ પોતે ચૂંટણી હારી ગયા હતા. મમતા બેનર્જી સતત નંદીગ્રામના ચૂંટણી પરિણામો અંગે આક્ષેપો કરી રહ્યા છે.

2 મેના રોજ ચૂંટણીના પરિણામો બાદ મમતા બેનર્જીએ કહ્યું હતું કે તે નંદીગ્રામની જનતાના નિર્ણયને સ્વીકારે છે. પરંતુ તે મતની ગણતરી દરમિયાન ગેરરીતિના મુદ્દાને લઈને કોર્ટમાં જશે, કારણ કે તેમને માહિતી છે કે ચૂંટણી પરિણામ જાહેર થયા પછી કેટલીક હેરાફેરી કરવામાં આવી હતી, જે તે જાહેર કરશે ચૂંટણીના વલણ આવ્યા બાદ શુભેન્દુ અધિકારી આગળ ચાલી રહ્યા હતા. જો કે, 16મા રાઉન્ડની મતગણતરી પછી, મમતા બેનર્જી આગળ આવી ગયા હતા, પછી બાજી પલટાઈ અને અધિકારી આગળ નિકળી ગયા અને તેમનો વિજય થયો.

નંદીગ્રામમાં મમતાને પરાજિત કરનાર નેતા શુભેન્દુ અધિકારી હાલમાં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષી નેતા છે. તાજેતરમાં, જ્યારે પીએમ મોદી યાસ તોફાનની સમીક્ષા બેઠક માટે પશ્ચિમ બંગાળ ગયા હતા, ત્યારે આ વિવાદનું મુખ્ય કારણ શુભેન્દુ અધિકારીને જ માનવામાં આવ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસ વતી કહેવામાં આવ્યું હતું કે આ બેઠક વડા પ્રધાન અને મુખ્ય પ્રધાન વચ્ચે હોવી જોઈએ. બેઠકમાં વિપક્ષી નેતાનો કોઈ કામ નથી. જો કે, બાદમાં કેન્દ્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આવી પ્રથા અન્ય રાજ્યોમાં પહેલેથી રહી છે.

(11:54 pm IST)