Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

કોરોના કાળમાં લોકોને આર્થિક તંગી: સ્વિસ બેંકોમાં વધ્યું ભારતીય ભંડોળ: 20,000 કરોડને પાર પહોંચ્યું

સતત બે વર્ષ સુધી ઘટયા બાદ હવે ભંડોળ 13 વર્ષની ટોચે પહોંચ્યું

નવી દિલ્હી : સ્વિસ બેંકોમાં ભારતીયોના વ્યક્તિગત અને કોર્પોરેટ નાણાં 2020 માં વધીને 2.55 અબજ સ્વિસ ફ્રેન્ક એટલે કે, રૂ. 20,700 કરોડથી વધુ થઈ ગયા છે. આ વધારો રોકડ થાપણના રૂપમાં નહીં, પરંતુ સિક્યોરિટીઝ, બોન્ડ્સ અને અન્ય નાણાકીય ઉત્પાદનોના સ્વરૂપમાં રાખવામાં આવેલી હોલ્ડિંગથી થયો છે. જો કે, આ સમયગાળા દરમિયાન ગ્રાહકોની જમા થાપણની રકમ ઓછી થઈ છે. સ્વિટઝરલેન્ડની સેન્ટ્રલ બેંક દ્વારા જારી કરવામાં આવેલા વાર્ષિક ડેટામાંથી આ માહિતી મળી છે.

આ ભંડોળ ભારત અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા સ્વિસ બેંકોમાં રાખવામાં આવે છે. સ્વિસ બેંકોમાં ભારતીય નું કુલ ભંડોળ 2019ના અંતમાં 89.9 કરોડ સ્વિસ ફ્રેન્ક (6,625 કરોડ) હતું. તે 2020 માં વધીને 2.55 અબજ સ્વિસ ફ્રેન્ક થઈ ગયું. તે પહેલાં, તે સતત બે વર્ષ સુધી ઘટ્યું હતું. નવીનતમ આંકડો 13 વર્ષમાં સૌથી વધુ છે.

સ્વિસ નેશનલ બેંક (એસએનબી) ના આંકડા મુજબ, 2006 માં તે લગભગ 6.5 અબજ સ્વિસ ફ્રેન્કના રેકોર્ડ સ્તરે હતો. તે પછી તે 2011, 2013 અને 2017નું વર્ષ ને બાદ કરતા ક્રમશ: ઘટાડો નોધાયો હતો. એસ.એન.બી. અનુસાર, 2020 ના અંતે ભારતીય ગ્રાહકોની દ્રષ્ટિએ સ્વિસ બેન્કોની કુલ દેનદારી 255.47 કરોડ સીએચએફ (સ્વિસ ફ્રાન્ક) ની છે. જેમાં ગ્રાહકોની થાપણ તરીકે 50.9 કરોડ સ્વિસ ફ્રેન્ક (4,000 કરોડ રૂપિયાથી વધુ) છે.

તે જ સમયે, અન્ય બેંકો દ્વારા 38.3 કરોડ સ્વિસ ફ્રેન્ક (રૂ. 3,100 કરોડથી વધુ) રાખવામાં આવ્યા છે. ટ્રસ્ટ દ્વારા 20 લાખ સ્વિસ ફ્રેન્ક (રૂ. 16.5 કરોડ) જ્યારે મહત્તમ 166.48 કરોડ સ્વિસ ફ્રેન્ક (આશરે 13,500 કરોડ) બોન્ડ, સિક્યોરિટીઝ અને અન્ય નાણાકીય ઉત્પાદનોના રૂપમાં રાખવામાં આવ્યા છે.

એસએનબીએ કહ્યું કે ગ્રાહકની જમા થાપણ તરીકે વર્ગીકૃત થયેલ ભંડોળ 2019 ની તુલનામાં ખરેખર ઘટ્યું છે. વર્ષ 2019 ના અંતે, તે 55 કરોડ સ્વિસ ફ્રેન્ક હતું. ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલા નાણામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઘટાડો થયો છે, જેની સરખામણીએ 2019 માં 74 લાખ સ્વિસ ફ્રેન્ક હતી. જો કે, અન્ય બેંકો દ્વારા મૂકવામાં આવેલા ભંડોળ 2019 માં 8.8 મિલિયન સ્વિસ ફ્રેન્ક કરતા ઝડપથી વિકસ્યા છે.

 

વર્ષ 2019 માં, ચારેય કેસોમાં ભંડોળની ઘટ હતી. આ આંકડાઓ બેંકો દ્વારા એસએનબીને આપવામાં આવ્યા છે અને તે સ્વિસ બેંકોમાં ભારતીયો દ્વારા કાળા નાણાં અંગે કોઈ સંકેત આપતું નથી. આ આંકડામાં સ્વિસ બેંકોમાં ભારતીયો, એનઆરઆઈ અથવા અન્ય ત્રીજા દેશોના કંપનીઓ રાખી શકે તે રકમનો પણ સમાવેશ નથી.

એસએનબીના મતે, તેનો આંકડો ભારતીય ગ્રાહકો પ્રત્યે સ્વિસ બેંકોની ‘સંપૂર્ણ જવાબદારી’ દર્શાવે છે. આ માટે સ્વિસ બેંકોમાં ભારતીય ગ્રાહકોના તમામ પ્રકારના ભંડોળ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. આમાં વ્યક્તિઓ, બેંકો અને કંપનીઓ પાસેથી પ્રાપ્ત થાપણો શામેલ છે. આમાં ભારતની સ્વિસ બેંકોની શાખાઓમાંથી ‘નોન-ડિપોઝિટ લાયબિલીટી’ તરીકે પ્રાપ્ત ડેટા શામેલ છે.

મળતી માહિતી મુજબ સ્વિસ બેંકોમાં બ્રિટન, અમેરિકાના ગ્રાહકોના નાણાં ઘટ્યાં છે. બાંગ્લાદેશના ગ્રાહકોના નાણાંમાં પણ ઘટાડો થયો હતો પરંતુ પાકિસ્તાની ગ્રાહકોનું ફંડ ડબલ થયું છે. દરમિયાન, બેન્ક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ (બીઆઈએસ) ના આંકડા મુજબ, આ પ્રકારનું ભંડોળ 2020 માં લગભગ 39 ટકા વધીને 12.59 મિલિયન ડોલર (932 કરોડ રૂપિયા) થઈ ગયું છે. એક સમયે, ભારતીય અને સ્વિસ અધિકારીઓ સ્વિસ બેંકોમાં ભારતીય થાપણો વિશે બીઆઈએસ ડેટા વધુ વિશ્વસનીય માનતા હતા.

સ્વિસ ઓથોરિટીએ હંમેશાં એવું નિભાવ્યું છે કે સ્વિટ્ઝરલેન્ડમાં ભારતીયોની પાસે રહેલી સંપત્તિને કાળા નાણાં તરીકે ગણી શકાય નહીં અને તેઓએ હંમેશા કરચોરી સામે ભારતને સમર્થન આપ્યું છે. જે સદંતર ખોટું છે. ભારત અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે કરવેરાની બાબતમાં માહિતીનું આપમેળે વિનિમય 2018 થી થઈ રહ્યું છે. આ ગોઠવણ હેઠળ, સ્વિસ નાણાકીય સંસ્થાઓમાં 2018 થી રાખવામાં આવેલા તમામ ભારતીય રહેવાસીઓની વિગતવાર નાણાકીય માહિતી સપ્ટેમ્બર 2019 માં પ્રથમ વખત ભારતીય કર અધિકારીઓને આપવામાં આવી હતી. સિસ્ટમ પ્રમાણે દર વર્ષે તેનું પાલન કરવું પડે છે.

(11:35 pm IST)