Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

હરિયાણામાં આંદોલનકારી ખેડૂતને પેટ્રોલ છાંટી સળગાવ્યો

ખેડૂત આંદોલનમાં ચોંકાવનારી ઘટના : અન્ય ખેડૂત દ્વારા દારુ પિવડાવી જીવતો સળગાવાયો હોવાનું ભોગ બનનારનું મૃત્યુ પૂર્વે નિવેદન, પોલીસે તપાસ હાથ ધરી

નવી દિલ્હી, તા. ૧૭ : હરિયાણાના બહાદુરગઢ પાસે આવેલા કસાર નામના ગામના એક આંદોલનકારી ખેડૂતને બીજા આંદોલનકારીએ  પેટ્રોલ છાંટીને સળગાવી દીધો હોવાની સ્ફોટક ઘટના બની છે.

ગામના રહેવાસી જગદીશે કહ્યુ હતુ કે, મારો ભાઈ મુકેશ બુધવારે સાંજે ફરવા નીકળ્યો હતો અને ગામમાં બેઠેલા ખેડૂત આંદોલનકારીઓ પાસે પહોંચી ગયો હતો.એ પછી મને ફોન પર ખબર પડી હતી કે, આંદોલનકારીઓએ મારા ભાઈને પેટ્રોલ છાંટીને સળગાવી દીધો હતો અને હું જ્યારે ગામના પૂર્વ સરપંચ સાથે સ્થળ પર પહોંચ્યો ત્યારે જોયુ હતુ કે, મારો ભાઈ મુકેશ ગંભીર રીતે દાઝેલી હાલતમાં હતો.

સારવાર દરમિયાન મુકેશે કહ્યુ હતુ કે, કૃષ્ણ નામના વ્યક્તિએ પહેલા મને દારુ પિવડાવ્યો હતો અને પછી મને જીવતો સળગાવ્યો હતો.જોકે સિવિલ હોસ્પિટલ બાદ મુકેશને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.જ્યાં તેનુ મોત થયુ હતુ.પોલીસનુ કહેવુ છે કે, સંદીપ અને કૃષ્ણ નામના વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસ મામલાની તપાસ કરી રહી છે.મુકેશની વય ૪૨ વર્ષની હતી. એવો પણ આરોપ લાગી રહ્યો છે કે, મરનાર વ્યક્તિ પણ ખેડૂત હતો અને તેને ખેડૂત આંદોલનમાં શહીદ ગણાવવાની ફિરાકમાં બીજા આંદોલનકારીઓ હતા.

(8:14 pm IST)