Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

શ્રી રામના નામ ઉપર શિવાજી પાર્કમાં ભાજપ-શિવસેના સામ સામે

રામ મંદિરની જમીનમાં ભ્રષ્ટાચારનો મામલો ગરમાયો : શિવસેના ભવન પર 'ફટકાર મોરચોલ્લ નીકાળવામાં આવ્યો, જે બાદ બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

મુંબઈ, તા. ૧૭ : શ્રીરામના નામ પર શિવાજી પાર્કમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના કાર્યકર્તા આમને સામને થઈ ગયા હતા. વાત મારામારી સુધી પહોંચી ગઈ અને પોલીસ સ્ટેશન જવાનો પણ વારો આવ્યો. પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધ્યો છે. પ્રદર્શન કરી રહેલા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના મુંબઈ અધ્યક્ષ તેજિંદર સિંહ તિવાણાએ જણાવ્યું કે, અમારા લોકો અત્યંત શાંતિથી પ્રદર્શન કરી રહ્યા હતા, પરંતુ શિવસેનાના લોકો મારપીટ પર ઉતરી આવ્યા.

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે. આ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા જમીન ખરીદવામાં આવી છે અને આ ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ મુકવામાં આવી રહ્યો છે. શિવસેનાએ પણ આ ખરીદી પર સવાલ ઉઠાવ્યા હતા જે ભાજપને પસંદ નથી આવ્યું. ભાજપનું કહેવું છે કે, શિવસેના આ બાબતે ખોટા આરોપ મુકી રહી છે. શિવસેનાની ભૂમિકા અને આરોપનો વિરોધ કરવા માટે બુધવારનારોજ શિવસેના ભવન પર 'ફટકાર મોરચોલ્લ નીકાળવામાં આવ્યો. ત્યાં પહોંચતા પહેલા જ દાદર શૈતાન ચોકી દ્વારા મોરચામાં શામેલ લોકોની અટકાયત કરવામાં આવી.

પોલીસ જ્યારે તેમને પોલીસ વાનમાં લઈ જઈ રહી હતી ત્યારે શિવસેના ભવનની સામે ઉપસ્થિત ધારાસભ્ય સદા સરવણકરના નેતૃત્વમાં કાર્યકર્તાઓએ નારેબાજી શરુ કરી દીધી. બીજેપી તરફથી પણ નારા લગાવવામાં આવ્યા. મુંબઈ બીજેપીના ઉપાધ્યક્ષ આચાર્ય પવન ત્રિપાઠીએ જણાવ્યું કે, જ્યારે માહિમ મંડળ અધ્યક્ષ અક્ષતા તેંડુલકર, વિલાસ આંબેડકર અને એક કાર્યકર્તા પોલીસ વાનમાં બેસવા જઈ રહ્યા હતા તો શિવસેનાના કાર્યકર્તા તેમના પર તુટી પડ્યા અને મારામારી થઈ ગઈ. ત્રણ કાર્યકર્તા માહિમ પોલીસ સ્ટેશન ગયા. તેમણે શિવસૈનિકો વિરુદ્ધ કેસ દાખલ કરવાની માંગ કરી પરંતુ પોલીસ આનાકાની કરી રહી હતી. ત્યારપછી મુંબઈ ભાજપના અધ્યક્ષ મંગલપ્રભાત લોઢા, પૂર્વ અધ્યક્ષ આશીષ શેલાર સહિત તમામ નેતાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા.

બીજી બાજુ શિવસેના તરફથી સાંસદ અરવિંદ સાવંતે આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, જેવો સવાલ આવશે તેવો જવાબ આપવામાં આવશે. રામ મંદિર નિર્માણના નામ પર દુનિયાભરથી સૈંકડો કરોડ રુપિયા એકઠા કરવામાં આવ્યા છે.

રામજીના નામ પર એક પણ કૌભાંડ ના થવું જોઈએ. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં ભાજપના સભ્યો છે. શિવસેના સાંસદ સંજય રાઉતે આ બાબતે ટ્રસ્ટ પાસેથી ચોખવટની માંગ કરી હતી, સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસના અધ્યક્ષ મોહન ભાગવત અને વિશ્વ હિન્દુ પરિષદ પાસેથી પણ હસ્તક્ષેપની માંગ કરી હતી.

(8:12 pm IST)