Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

અમરનાથ યાત્રા અંગે અસમંજસની સ્થિતિ : બાલતાલના રસ્તે ૧૫ દિ' માટે યાત્રાનો વિકલ્પ

કાશ્મીરીઓમાં યાત્રા યોજાશે તો ફરી કોરોના ફેલાશે તેવો ભય : શ્રાઈન બોર્ડે ૫૬ દિવસના લંગર માટે એક સંગઠનને છૂટ આપી : બાલતાલના રસ્તે ૯૦% બરફ હટાવી લેવાયો

જમ્મુ : અમરનાથ યાત્રાને લઈને સતત અસમંજસની સ્થિતિ પ્રવર્તે છે. આ સ્થિતિ એટલા માટે સર્જાયેલ છે કે અમરનાથ યાત્રા શ્રાઈન બોર્ડ દ્વારા હરિયાણાના એક લંગર સંગઠનને ૫૬ દિવસ માટે લંગર લગાવવાની મંજૂરી આપવા સાથે બાલતાલ અને ચંદનવાડીના માર્ગો ઉપર જે તૈયારીઓ થઈ રહી છે, તે છે. શ્રાઈન બોર્ડે કઈથલના બર્ફાની સેવા મંડળને બાલતાલમાં ૨૮ જૂનથી ૨૨ ઓગષ્ટ સુધી લંગર લગાવવાની છૂટ આપી દેવાનો પત્ર આપ્યા બાદ અનિશ્ચિતતાની સ્થિતિ સર્જાયેલ. જો કે શ્રાઈન બોર્ડ હજુ પણ આ બાબતે કંઈ વિગતો આપી રહેલ નથી કે યાત્રા કયારે શરૂ થશે પરંતુ આ યાત્રાથી એવા સેંકડો ભકતોની આતુરતા વધી ગઈ છે જે લોકો યાત્રામાં સામેલ થવા માગે છે.

શ્રાઈન બોર્ડના સૂત્રોના કહેવા મુજબ બાલતાલના અમરનાથ યાત્રા માર્ગ ઉપર બરફ હટાવવાનું કામ ૯૦% થઈ ચૂકયુ છે, પરંતુ ચંદનવાડીના રસ્તા ઉપર કોઈ હિલચાલ જોવા મળતી નથી. જો કે યાત્રામાં સહયોગ કરનારા ઘોડા ચલાવનારાઓ, પાલખીવાળાઓ સહિતના લોકોને વેકસીન આપવાનું કામ ઝડપી બનાવવામાં આવ્યુ હતું.

પહેલેથી નક્કી કાર્યક્રમ મુજબ અમરનાથ યાત્રા ૨૮ જૂને શરૂ થનાર છે એટલે કે હવે ૧૧ દિવસ રહ્યા છે. હજુ સુધી યાત્રા માર્ગ તૈયાર નથી કે રજીસ્ટ્રેશનનું કામ પૂર્ણ થયુ નથી. એટલ કે એવા વિકલ્પો વિચારાય રહ્યા છે કે અમરનાથ યાત્રાને બાલતાલના માર્ગથી ૧૫ દિવસ માટે આયોજીત કરવાની છૂટ આપે તે સૌથી પ્રમુખસ્થાને છે.

એટલુ જરૂર કહી શકાય કે આ વખતે કાશ્મીરીઓ પણ અમરનાથ યાત્રાના આયોજનનો દબાયેલા સ્વરે વિરોધ કરી રહ્યા છે. તેઓ માને છે કે બીજી લહેર માટે ટુરીસ્ટો જવાબદાર હતા અને જો યાત્રા યોજાશે તો કાશ્મીર ફરી એક વાર કોરોનાના ખતરામાં સપડાઈ જશે.

(4:09 pm IST)