Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

પાકિસ્તાનને ફરી પેટમાં દુઃખ્યું: કાશ્મીરની પીપૂડી વગાડી : ખીણમાં હિન્દુઓને વસાવવાનો આરોપ

વિદેશમંત્રી શાહ મહંમદ કુરેશીએ કાશ્મીર પ્રશ્ને યુનોને પત્ર લખ્યો : પ ઓગષ્ટ ૨૦૧૯નો ફેંસલો પલટાવવા દાદ માંગી

ઇસ્લામાબાદ, તા.૧૭: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરૈશીએ સંયુકત રાષ્ટ્રને સૂચિત કરતાં ગંભીર ચિંતા વ્યકત કરી છે કે, ભારત કાશ્મીરમાં ફરીથી કંઈક મોટું કરી શકે છે.

બુધવારે પાકિસ્તાની વિદેશ મંત્રાલય તરફથી નિવેદન રજૂ કરવામાં આવ્યું છે. ઙ્કભારત કાશ્મીરમાં ફરીથી ગેરકાયદેસર અને એકતરફી પગલાઓ ભરી શકે છે. ત્યાંની વસ્તી વિષયક બાબતોને ફરીથી વિભાજીત કરવા અને બદલવા માટે કંઈક કરવામાં આવી શકે છે. તેમણે કહયું છે કે ખીણમાં હિન્દુઓને વસાવવામાં આવી રહયા છે. તેમણે કહયું છે કે ભારતે ફરી કાશ્મીરમાં કલમ ૩૭૦ લાગુ કરવી જોઇએ.

પાકિસ્તાની વિદેશ મંત્રી સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષ અને સંયુકત રાષ્ટ્ર મહાસચિવને સંબોધિત કરતાં એક પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં કુરૈશીએ લખ્યું છે કે, કાશ્મીરીઓને દબાવવા માટે પાછલા ૨૨ મહિનાઓથી ભારત કંઈને કંઈ કરી રહ્યું છે. કાશ્મીરમાં માનવાધિકારોનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાનના આ નિવેદન પર ભારત તરફથી હજું કોઈ જ પ્રતિક્રિયા આવી નથી. જોકે, ભારત હંમેશા કહેતું આવ્યું છે કે, કાશ્મીર તેમનો આતંરિક મામલો છે અને પાકિસ્તાને તેના પર બોલાવાનો કોઈ જ હક્ક નથી.

કુરેશીએ કહ્યું હતું કે ભારત કાશ્મીરીઓના આત્મનિર્ભરતાના અધિકારને ખતમ કરી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાને કહ્યું કે, ત્યાની વસ્તી વિષયક બાબતોમાં પરિવર્તન દ્વારા આ અધિકારને નબળા પાડવામાં આવી રહ્યાં છે. કુરેશીએ કહ્યું કે કાશ્મીરની બહારના લોકોને નકલી નિવાસના પ્રમાણપત્રો આપવામાં આવી રહ્યા છે.

કુરેશીએ કહ્યું કે, ૧૯૫૧ થી કાશ્મીરમાં તમામ પ્રકારના ગેરકાયદેસર અને એકતરફી પગલા લેવામાં આવી રહ્યા છે. આમાં ૫ ઓગસ્ટ, ૨૦૧૯ નો નિર્ણય શામેલ છે, જે અંતર્ગત કાશ્મીરની બંધારણીય સ્થિતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

જો ભવિષ્યમાં કાશ્મીરમાં ભારત વધુ એકપક્ષીય પરિવર્તન લાવે છે, તો તે સુરક્ષા પરિષદના ઠરાવો અને ચોથી જિનીવા સંમેલન સહિત આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંદ્યન ગણાશે.

કુરેશીએ કહ્યું કે સુરક્ષા પરિષદે તેના ઠરાવોને અમલ કરવા પહેલ કરવી જોઈએ. પાકિસ્તાનના વિદેશ પ્રધાને કહ્યું કે તે તેના પડોશીઓ સાથે શાંતિપૂર્ણ સંબંધો ઇચ્છે છે અને આ પડોશીઓમાં ભારત પણ શામેલ છે. કુરેશીએ કહ્યું કે કાશ્મીર વિવાદનો ફકત યુએન સુરક્ષા પરિષદના ઠરાવો હેઠળ નિરાકરણ થઈ શકે છે.

તેમણે કહ્યું કે કાશ્મીર સમસ્યાનું સમાધાન દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે ખૂબ મહત્વનું છે. સંયુકત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિએ કુરેશીનો પત્ર સંયુકત રાષ્ટ્રના મહાસચિવ અને સુરક્ષા પરિષદના પ્રમુખ સુધી પહોંચાડ્યો છે.

(4:09 pm IST)