Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

એકસપર્ટસે જણાવી ફોર્મ્યુલા

એક ડોઝમાં પાંચ વ્યકિતઓને આપી શકાશે વેકસીન !

જો કોરોનાની રસી માંસપેશીઓના બદલે ચામડી પર આપવામાં આવે તો એક ડોઝમાંથી પાંચ લોકોને રસી આપી શકાય : રૈબીઝ વેકસીનના મામલે આ રીત ખૂબ સફળ રહી છે

હૈદરાબાદ,તા.૧૭: દેશમાં કોરોનાની રસીની તંગી દૂર કરવા કેટલાક એકસપર્ટે રસી લગાવવાની રીતને બદલવાનની સલાહ આપી છે. એકસપર્ટના જણાવ્યા મુજબ, જો રસીને માંસપેશીઓના બદલે ચામડીના બીજા સ્તર પર લગાવવામાં આવે તો રસીનો જથ્થો પણ ઓછો વપરાશે અને તેની અસર પર પણ કોઈ પ્રભાવ પડશે નહીં. હાલ રસીનો એક ડોઝ લગાવવામાં જેટલી માત્રાની જરૂર પડે છે એટલી જ માત્રામાં પાંચ લોકોને રસી આપી શકાશે.

કોરોનાની રસીને ઈન્ટ્રામસ્કયૂલર રીતે એટલે કે માંસપેશીઓમાં આપવામાં આવે છે. એકસપર્ટનું કહેવું છે કે, જો માંસપેશીઓના બદલે રસીને ચામડીના બીજા સ્તર પર લગાવવામાં આવે તો ૦.૫ MLના બદલે ૦.૧ MLના માત્રા પૂરતી હશે. આ રીતે જો ખભામાં ઈન્ટ્રામસ્કયૂલર રીતે એક ડોઝમાં રસીની જેટલી માત્રા આપવામાં આવે છે એટલી માત્રામાં જ ઈન્ટ્રાડર્મલ રીતે આપવાથી પાંચ લોકોને રસી આપી શકાય.

ટેકનીકલ એડવાઈઝરી કમિટીના ચેરમેન ડો.એમ.કે.સુદર્શને આ રીત માટે રૈબીઝ વેકસીનનો હવાલો આપ્યો છે. ડો.સુદર્શન રૈબીઝ વેકસીન પર ખૂબ જ કામ કરી ચૂકયા છે. તેમનું કહેવું છે કે, રૈબીઝ વેકસીનને ચામડીના બીજા સ્તર પર લગાવવાની રીત ખૂબ જ કારગત નીવડી છે. આ રીતે રસી આપવાથી ભલે ઓછી માત્રામાં રસી શરીરમાં જાય, પરંતુ ચામડીમાં હાજર એન્ટિજન બનાવનારી કોશિકાઓ ખૂબ જ મોટા પ્રમાણમા રોગપ્રતિકારક પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. ડો.સુદર્શનનું કહેવું છે કે, માંસપેશીમાં રસી આપવાથી જેટલી માત્રામાં રોગપ્રતિકારક શકિત ઉત્પન્ન થાય છે એના કરતા ચામડીના બીજા સ્તર પર રસી આપવાથી ખૂબ જ ઝડપી અને સારા પ્રમાણમાં રોગપ્રતિકારક શકિત ઉત્પન્ન થાય છે.

ડો.સુદર્શનના જણાવ્યા મુજબ, સરકારે આ સલાહને ગંભીરતાથી ધ્યાને લીધી છે અને રસી બનાવનારી કંપનીઓને આ અંગે અભ્યાસ કરવા કહેવામાં આવ્યું છે. WHOના ૧૯૮૦ના દાયકામાં જ ઈન્ટ્રાડર્મલ રૈબીઝ વેકસીનને મંજૂરી આપી હતી અને આ રીતને ભારતમાં ૨૦૦૬માં અપનાવવામાં આવી હતી.

ડો.સુદર્શનના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં ૧૦ સ્વસ્થ વોલન્ટિયર્સ પર કોવિશીલ્ડ અને કોવેકસીનનો ઈન્ટ્રાડર્મલ રીતે કલીનીકલ ટ્રાયલ લેવામાં આવી શકે છે. કોઈ મેડિકલ કોલેજની એથિકસ કમિટીની યોગ્ય મંજૂરી બાદ અભ્યાસ કરીને તપાસી શકાશે કે ઈન્ટ્રાડર્મલ રીતે રસી આપવી સુરક્ષિત અને કારગત છે કે નહીં. ૦.૧ ML ડોઝ ૨૮ દિવસના સમયગાળા પછી બે વાર આપી શકાશે. અભ્યાસ દરમિયાન દરેક ડોઝના ૪ અઠવાડિયા બાદ એન્ટિબોડીની તપાસ કરી શકાશે. આ અભ્યાસને ત્રણ મહિનામાં પૂરો કરી શકાશે.

ટેકનીકલ એડવાઈઝરી કમિટીના મેમ્બર અને વાયરોલોજિસ્ટ ડોકટર વી.રવિનું કહેવું છે કે, આ રીત અપનાવવા માટે તેને અજમાવવી જરૂરી છે કે જો કોરોનાની વેકસીન ઈન્ટ્રાડર્મલ રીતે લગાવવામાં આવે તો તેની અસર ઈન્ટ્રામસ્કયૂલર જેવી જ રહે છે કે નહીં. તેમનું કહેવું છે કે, રૈબીઝ વેકસીનના મામલે ઈન્ટ્રામસ્કયૂલરની સરખામણીએ ઈન્ટ્રાડર્મલ રીતે વેકસીન આપવાથી રસીની માત્રા માત્ર ચોથા ભાગ જેટલી જ વપરાશે. તેમનું કહેવું છે કે, એન્ટિજનવાળી કોશિકાઓ ડેંડ્રિટિક સ્કિનમાં વધારે હોય છે.

KIMSમાં કમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ ડોકટર ડી.એચ.અશ્વથ નારાયણનું કહેવું છે કે, તેઓ ઈન્ટ્રડર્મલ રીતે કોરોનાની વેકસીન લગાવવા પર અભ્યાસ કરવા માગે છે. જો કોરોનાની વેકસીન ખુલ્લા બજારમાં મળતી ચીજવસ્તુઓની જેમ હોત તો અમે સરળતાથી અભ્યાસ કરી શકતા. જો કે, ઈન્ટ્રાડર્મલ રીતે વેકસીન લગાવવા માટે નર્સોને ટ્રેનિંગ આપવાની જરૂર પડશે.

(10:37 am IST)