Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

સાઉથ કોરિયા જનારે કોવેકિસન લીધી હશે તો કવારન્ટાઈન થવું પડશે : કોવિશીલ્ડ લેનારને મુકિત

સાઉથ કોરિયાએ કોરોના ગાઈડલાઈનમાં કર્યો ફેરફારઃ ૧ લી જુલાઈથી લાગુ થશે આ નવી ગાઈડલાઈનઃ પીએમ મોદી ઉપરાંત ભારતના ઉચ્ચકક્ષાના સરકારી અધિકારીઓને આ નિયમો લાગુ નહીં પડે

નવી દિલ્હી,તા. ૧૭: ભારતીય વેકસીન કોવેકિસનની દુનિયાભરમાં ટ્રાયલ ચાલી રહી છે. આ દરમિયાન ભારતમાં સાઉથ કોરિયાના રાજદૂતે કહ્યું કે, જો કોઈ ભારતીય સાઉથ કોરિયા આવે છે અને તેણે કોવિશીલ્ડ વેકસીનના બંને ડોઝ લીધા છે, તો કવારન્ટાઈન નહીં થવું પડે. જોકે, તેમણે કહ્યું કે, જો કોવેકિસન લીધી છે, તો તેણે બે સપ્તાહ એટલે કે ૧૪ દિવસ કવારન્ટાઈન રહેવું પડશે. આ નિયમ ૧ જુલાઈથી લાગુ થવા જઈ રહ્યો છે.

ગઇ કાલે ન્યૂઝ એજન્સી સાથે ખાસ વાતચીતમાં ભારતમાં દક્ષિણ કોરિયાના દૂત શિન બોંગ-કિલે કહ્યું કે, 'દક્ષિણ કોરિયાની સરકારે ફરજિયાત રીતે બે સત્પાહના કવારન્ટાઈના નિયમને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. પરંતુ, આ નિયમ માત્ર એ લોકો માટે લાગુ થાય છે, જેમણે સંપૂર્ણ રીતે વેકિસનેશન કરાવી લીધું છે. તેમણે કહ્યું કે, જો વ્યકિતએ કોવિશીલ્ડ લીધી છે, તો તેમણે એકપણ દિવસ કવારન્ટાઈન રહેવાની જરૂર નથી, પરંતુ કોવેકિસન લેનારાએ બે સપ્તાહના કવારન્ટાઈનનું પાલન કરવું પડશે.'

તેમણે કહ્યું કે, અમે જોયું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોવેકિસન લઈ લીધી છે અને જો પીએમ મોદી કોઈપણ સમયે કોરિયા આવવા ઈચ્છે છે તો તેઓ કવારન્ટાઈન વિના કોરોનાનો પ્રવાસ કરી શકે છે. ઉચ્ચ રેન્કિંગ અધિકારી જેમકે ભારતના સેના પ્રમુખ કોરિયાનો પ્રવાસ કરે છે તો તેમને પણ કવારન્ટાઈનમાં રહેવાની જરૂર નથી.

તે ઉપરાંત તેમણે પાડોશી દેશોને મફતમાં રસી ઉપલબ્ધ કરાવવાના નિર્ણય માટે ભારતની પ્રશંસા કરી અને કહ્યું કે, આ ભારત તરફથી એક મહાન ઈશારો છે. તેમણે કહ્યું કે, 'એક રાજદ્વારીના રૂપમાં, મને લાગે છે કે, ભારતની આસપાસના દેશોને રસી ઉપલબ્ધ કરાવવી એક સારો ઈશારો છે... જો ભારતે તેમની મદદ ન કરી હોત, તો ભૂતાન, નેપાળ, શ્રીલંકા, માલદીવ જેવા અન્ય પાડોશી દેશોની મદદ માટે કોણ આગળ આવત. મને લાગે છે કે આ ભારત તરફથી એક સારો ઈશારો છે. આપણે એકબીજાની મદદ કરવી જોઈએ.'

(10:32 am IST)