Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

પ.બંગાળ : ભાજપના ૨૫ ધારાસભ્યે -૨ સાંસદો મુકુલ રોયના સંપર્કમાં : ગમે ત્યારે નવાજુની

ભાજપે જે ચૂંટણી પહેલા કર્યું તે હવે તૃણમૂલ ચૂંટણી પછી કરે છે

કોલકતા,તા. ૧૭ : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન ભલે ઘણું સારું રહ્યુ હોય પરંતુ હવે તેની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે.  બંગાળમાં ભાજપના દિગ્ગજ નેતા મુકુલ રોયના તૃણમૂલ કોંગ્રેસમાં પાછા ગયા બાદ એ વાતની ચર્ચાએ વેગ પકડ્યો છે કે ભાજપના અનેક ધારાસભ્ય અને નેતા બહું જલ્દી તૃણમૂલ કોંગ્રેસનો હાથ પકડી શકે છે. સમાચાર છે કે મુકુલ રોય સતત બંગાળના ધારાસભ્યો અને સાંસદોના સંપર્કમાં છે. બહું જલ્દી તેમની ઘર વાપસી થઈ શકે છે. જેમાંથી મોટાભાગના નેતા એ છે જેમને મુકુલ રોય જ ભાજપમાં રહેતા તૃણમૂલ કોંગ્રેસથી લાવ્યા હતા.

સૂત્રોનું માનીએ તો મુકુલ રોયે પોતે આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે તે હજું પણ ભાજપના નેતાઓ સાથે ફોન પર વાત કરી રહ્યા છે અને બહું જલ્દી તૃણમૂલમાં અનેક બીજેપી નેતા સામેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭માં તૃણમૂલથી ભાજપમાં સામેલ થયા મુકુલ રોય પોતાના દીકરા શુભાંગ્શુની સાથે પાછી ટીએમસી જોઈન કરી ચૂકયા છે. મુકુલ રોયના ટીએમસીમાં આવવા પર રાજયના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે તેમને પાર્ટીમાં જલ્દી જ કોઈ મોટો રોલ આપવામાં આવશે.

આ સમગ્ર ઘટનાક્રમ પર મુકુલ રોયના દીકરા શુભ્રાંગ્શુએ જણાવ્યું કે ભાજપના ઓછામાં ઓછા ૨૫ ધારાસભ્યો અને ૨ સાંસદ ટીએમસીમાં જલ્દી સામેલ થઈ શકે છે. તેમણે કહ્યું કે વિધાનસભા ચૂંટણી બાદ ભાજપે જે કર્યુ તેનો જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે. તેમણે કહ્યુ કે ભાજપમાં આવ્યા બાદથી તેમના પિતા મુકુલ રોય પર ઘણું દબાણ હતુ.  આ દબાણના કારણે તેમના પિતાની તબિયત ખરાબ થઈ ગઈ. તેમણે પોતાના ખરાબ તબિયતના કારણે વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ભાગ ન લીધો.

ઉલ્લેખનીય છે કે ભાજપના ૨૫ ધારાસભ્યો અને ૨ સાંસદના ટીએમસીમાં જવાના સમાચાર બાદ ભાજપ સતત નેતાઓના સંપર્કમાં છે અને પ્રયત્ન કરી રહી છે કે તેઓ પાર્ટી છોડીને બીજા પક્ષમાં ન જાય.

(10:32 am IST)