Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

કંઇક થઇ જશે તો ?

યુવાનો ધડાધડ લેવા માંડયા છે જીવન વીમો

૨૦ થી ૩૫ વર્ષના યુવાનો જીવન વીમા તરફ વળ્યા

નવી દિલ્હી તા. ૧૭ : ભારતમાં કોરોનાની ભયાનક બીજી લહેર વચ્ચે ઘણાં બધા યુવાઓ લાઇફ ઇન્સ્યોરન્સ ખરીદી રહ્યા છે. રોઇટર્સના એક રિપોર્ટ અનુસાર ૨૦ થી ૩૫ વર્ષના યુવાઓ લાઇફ ઇન્સ્યોરન્સ તરફ આકર્ષાયા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે એપ્રિલ અને મે દરમિયાન જ્યારે ભારતમાં મહામારીની ભીષણ બીજી લહેરનું પીક હતું ત્યારે ટર્મ ઇન્સ્યોરન્સ ખરીદનારા ૨૫ થી ૩૫ વર્ષની વચ્ચેની ઉંમરના યુવાઓની સંખ્યા છેલ્લા ત્રણ મહિનાની કુલ સંખ્યા કરતા પણ ૩૦ ટકા વધારે હતી. રિપોર્ટ અનુસાર આ ડેટા ભારતના સૌથી મોટા ઓનલાઇન ઇન્સ્યોરન્સ એગ્રેગેટર પોલિસી બજારે જણાવ્યો છે.

ઓનલાઇન ઇન્સ્યોરન્સ એગ્રેગેટર ઇન્સ્યોરન્સ દેખોની વેબસાઇટ દ્વારા ખરીદાયેલ ટર્મ ઇન્સ્યોરન્સની સંખ્યામાં મેની સરખામણીમાં ૭૦ ટકાનો વધારો થયો છે. વીમાકર્તાઓએ એ નથી જણાવ્યું કે, તેમણે કેટલા પ્લાન્સનું વેચાણ કર્યું છે પણ ઘણા બધાએ કહ્યું કે, સંખ્યા હજારોમાં હતી.

એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સના ચીફ ફાઇનાન્સીયલ ઓફિસર નીરજ શાહે કહ્યું કે, વર્તમાન મહામારીએ નાણાકીય સુરક્ષાની જરૂરીયાત બાબતે જાગૃતિ વધારી છે. તેમની કંપનીએ કહ્યું કે તેમણે લગભગ ૧૫ મહિના પહેલા મહામારી પહેલીવાર ભારતમાં આવ્યા પછી ૩૫ વર્ષથી ઓછી ઉંમરના આયુ વર્ગ દ્વારા સુરક્ષા પ્રોડકટસની આટલી વધારે ડીમાન્ડ જોઇ છે. ઇન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવું છે કે સંક્રમણની બીજી લહેર વધવા છતાં ઇન્સ્યોરન્સ પ્લાન્સ અંગેની પૂછપરછ વધી છે.

(10:28 am IST)