Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

નેપાળમાં ભારે વરસાદથી પૂર : 7 લોકોના મોત: મેલમચી અને ઇન્દ્રવતી નદીઓમાં પૂરમાં 50થી વધુ લોકો લાપતા

ભારે વરસાદના કારણે અનેક પુલોને પણ નુકસાન પહોંચ્યું :બે કોંક્રિટ પુલ અને પાંચથી છ સસ્પેન્શન બ્રીજ ધરાશાયી: માંમેલમચી નદીના કાંઠે આવેલા ગામોમાં 300 જેટલી ઝૂંપડા ધોવાઈ ગયા : નીચાણવાળા વિસ્તારમાં આશરે 200 ઘરો જોખમમાં

કાઠમંડુ : નેપાળમાં મુશળધાર વરસાદના લીધે પૂર આવ્યું છે. જેમાં 7 લોકોનાં મોત થયાં છે અને 50 જેટલા લોકો લાપતા છે. ભારે વરસાદના કારણે અનેક પુલોને પણ નુકસાન પહોંચ્યું છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદથી સૌથી વધુ અસર મધ્ય નેપાળમાં થઇ છે . જેમાં સિંધુપાલચોકની મેલમચી નદીમાં પૂરની સ્થિતિ છે. જ્યારે સાત લોકોનાં મોત નીપજ્યાં છે.રાત્રે મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

  અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ 50 લોકો લાપતા છે. તેમાંના મોટા ભાગના કામદારો મેલમચી નદી પર પીવાના પાણીના પ્રોજેક્ટમાં કામ કરે છે. આરોગ્ય અને વસ્તી પ્રધાન શેર બહાદુર તામાંગે ફેસબુક પર જણાવ્યું હતું કે, મેલમચી અને ઇન્દ્રવતી નદીઓમાં પૂરમાં 50 થી વધુ લોકો લાપતા છે. પૂરના  કારણે મેલમચી ડ્રિંકિંગ વોટર સપ્લાય પ્રોજેક્ટ ટીંબુ બજાર, ચાનૌત બજાર, તાલામરંગ બજાર અને મેલમચી બજારના ડેમોને પણ નુકસાન થયું છે

   ભારે વરસાદને કારણે સાત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે સિંધુપાલ ચોકમાં બે કોંક્રિટ પુલ અને પાંચથી છ સસ્પેન્શન બ્રીજ ધરાશાયી થયા છે. કૃષિની જમીન અને મત્સ્ય ઉદ્યોગ સ્થળો ડૂબી ગયા છે. જ્યારે હેલાંબા નગરમાં પોલીસ ચોકી (સશસ્ત્ર પોલીસ દળ કેમ્પ) અને મેલમચી ખાતે પીવાના પાણી પ્રોજેક્ટ સ્થળ પૂર જેવી પરિસ્થિતિને કારણે તે પહોંચવું મુશ્કેલ બન્યું છે.

માંમેલમચી નદીના કાંઠે આવેલા ગામોમાં 300 જેટલી ઝૂંપડા ધોવાઈ ગયા હતા જ્યારે લમજંગ જિલ્લામાં આશરે 15 મકાનો ધોવાઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે નીચાણવાળા વિસ્તારમાં આશરે 200 ઘરો જોખમમાં છે. સિંધુપાલચોકના મુખ્ય જિલ્લા અધિકારી અરૂણ પોખરેલે જણાવ્યું હતું કે નેપાળ પોલીસ દળ અને સશસ્ત્ર પોલીસ દળ દ્વારા બચાવ અને રાહત કામગીરી ચાલુ છે

(9:36 am IST)