Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક ભેટ : મોંઘવારી ભથ્થા સાથે મેડિકલ ભથ્થામાં પણ વધારો મળશે

નવોદય વિદ્યાલયમાં નોકરી કરતા કર્મચારીઓને 1 જુલાઈથી લાભ : 5000 ને બદલે 25,000 રુપિયા મેડિકલ ભથ્થું મળશે

નવોદય વિદ્યાલયના કર્મચારીઓ માટે આ સારી ખબર છે. શિક્ષા વિભાગ દ્વારા જારી એક પરિપત્રમાં જણાવ્યું કે નવોદય વિદ્યાલયના પ્રાધાનાચાર્યોના મેડિકલ ભથ્થાને 5000 થી વધારીને 25,000 કરી દેવાયું છે. કર્મચારીઓને 1 જુલાઈથી આ લાભ મળવાનું શરુ થઈ જશે.

જ્યારે કેન્દ્રીય કર્મચારીઓ કોઈ સરકારી હોસ્પિટલ અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા નામિત કરાયેલી કોઈ હોસ્પિટલમાં તેમની બીમારીની સારવાર કરાવશે ત્યારે તેમને આ લાભ મળશે. કર્મચારી અથવા તો તેમના પરિવારના કોઈ સભ્ય બીમાર પડે ત્યારે મેડિકલ ભથ્થાંનો લાભ લઈ શકાય છે.

સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓના ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરી દેશે. તમને જણાવી દઈએ કે પગારમાં આ વધારો સાતમા પગાર પંચ પ્રમાણે હશે

1 જુલાઈ બાદ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધીને 28 ટકા થઈ જશે. કર્મચારીઓને સીધું બે વર્ષનું મોંઘવારી ભથ્થું મળશે. કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થાના 3 હપ્તા જારી કરશે.

  લગભગ 18 મહિના બાદ કર્મચારીઓના ડીએમાં વધારો થશે. ગયા વર્ષે કોરોનાને કારણે કર્મચારીઓના ડીએને અટકાવી દેવાયું હતું. જાન્યુઆરી 2020 માં ડીએમાં 4 ટકાનો વધારો કરાયો હતો. ત્યાર બાદ બીજા છ માસિક સમયગાળામાં એટલે કે જુન 2020 માં 3 ટકાનો વધારો થયો હતો. હવે જાન્યુઆરી 2021 માં 4 ટકાનો વધારો થયો છે એટલે કે કુલ 28 ટકાનો વધારો થશે

 પે-સ્કેલ પ્રમાણે ઓછામાં ઓછી સેલેરી 18000 રુપિયા છે તેમાં 15 ટકા મોંઘવારી ભથ્થું ઉમેરાવાની શક્યતા છે. એટલે કે તમને દર મહિને 2700 રુપિયાનો વધારો મળી શકે અને વર્ષે તમારા પગારમાં 32400 રુપિયાનો વધારો થઈ જશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે જુન 2021 ના મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવનાર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 4 ટકા સુધી વધી શકે છે. જો આવું થાય તો 1 જુલાઈથી 3 હપ્તામાં ચુકવણી બાદ આગામી છ મહિનામાં 4 ટકાની ચુકવણી થશે જે પછી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 32 ટકા પહોંચી શકે છે.

(11:33 pm IST)