Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

PM મોદીએ લીધા શપથ : કહ્યુ, વિપક્ષ નંબરની ચિંતા છોડી લોકોના મુદ્દા ઉઠાવે

જનતાએ પહેલાથી વધુ મોટા જનાદેશની સાથે સેવાનો અવસર આપ્‍યો : વડાપ્રધાન મોદી

નવી દિલ્‍હી, તા. ૧૭ : ૧૭મી લોકસભાના પહેલા સત્રનો સોમવારથી પ્રારંભ થયો. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ સૌથી પહેલા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ સાંસદના કર્તવ્‍યોના પાલન કરવાના શપથ લીધા. તેમને પ્રોટેમ સ્‍પીકર વીરેન્‍દ્ર કુમારે શપથ લેવડાવ્‍યા. ત્‍યારબાદ એક પછી એક કરી તમામ સાંસદ શપથ લઈ રહ્યા છે.

સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલા વડાપ્રધાજ મોદીએ મીડિયાને સંબોધિત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે, પ્રતિપક્ષના લોકો નંબરની ચિંતા છોડી દે, અમારા માટે તેમની ભાવના મૂલ્‍યવાન છે. સંસદમાં પક્ષ-વિપક્ષને છોડી નિષ્‍પક્ષની જેમ કામ કરો. પીએમે કહ્યું કે, અમને આશા છે કે આ વખતે ગૃહમાં વધુ કામ થશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તર્કની સાથે સરકારની ટીકા કરવી લોકતંત્રને બળ આપે છે, તેનાથી ગૃહમાં સકારાત્‍મક પરિણામ જોવા મળશે.

પીએમે કહ્યું કે, જયારે ગૃહ ચાલ્‍યું છે, તો દેશહિતના સારા નિર્ણય લેવાયા છે. આશા રાખું છું કે તમામ દળો સાથે આવશે, લોકતંત્રમાં વિપક્ષનું સક્રિય થવું જરૂરી છે.

પીએમ મોદીએ કહ્યું કે, ચૂંટણી બાદ નવી લોકસભાની રચના બાદ આજે પ્રથમ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. અનેક નવા સાથીઓના પરિચયનો અવસર છે, નવા સાથીઓની સાથોસાથ નવા ઉમંગ, ઉત્‍સાહ અને સપના પણ જોડાયેલા છે. આઝાદી બાદ સૌથી વધુ મતદાન થયું, મહિલાઓએ ઉત્‍સાહભેર મતદાન કર્યુ. અનેક દાયકા બાદ સરકારને ફરી બહુમત મળ્‍યું.

(4:29 pm IST)