Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

નોકરીઓમાં મહિલાઓએ પહેલીવાર પુરૂષોને પછાડયા

આઝાદીના ૭ દાયકા બાદ શહેરી મહિલાઓની હિસ્‍સેદારી વધી : ૩પ વર્ષમાં મહિલાઓની ભાગીદારી થઇ બમણી...

નવી દિલ્‍હી તા. ૧૭: દેશમાં નોકરી કરતી મહિલાઓની સંખ્‍યા ઝડપભેર વધી રહી છે. આઝાદીના સાત દાયકા પછી પહેલીવાર નોકરીઓમાં શહેરી મહિલાઓની સંખ્‍યા પુરૂષો કરતા વધી ગઇ છે. આંકડા મંત્રાલયના રિપોર્ટ અનુસાર શહેરોમાં નોકરી કરતી મહિલાઓ પર.૧ ટકા જયારે પુરૂષો ૪પ.૭ ટકા છે.

ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મહિલાઓ નોકરીઓમાં હજી પણ પાછળ છે પણ છેલ્લા ૬ વર્ષોમાં તેમની ભાગીદારી બમણી થઇ છે. આ ભાગીદારી પ.પ થી ૧૦.પ ટકાએ પહોંચી ગઇ છે. રોજગાર અંગે મંત્રાલય તરફથી બહાર પડાયેલ સર્વેક્ષણ રિપોર્ટ ર૦૧૭-૧૮ થી આ માહિતી જાહેર થઇ છે.શિક્ષણનો વધેલો વ્‍યાપ અને સમાજની મુખ્‍યધારામાં જોડાવું આના મુખ્‍ય કારણ માનવામાં આવે છે. શહેરી વિસ્‍તારની કામ કરતી મહિલાઓમાંથી પર.૧ નોકરી, ૩૪.૭ ટકા સ્‍વરોજગાર અને ૧૩.૧ ટકા મહિલાઓ છુટક મજુરી કરે છે. આ પહેલા ર૦૧૧-૧ર ના રિપોર્ટ અનુસાર કામ કરતી મહિલાઓમાં ૪ર.૮ ટકા નોકરી અને એટલી જ મહિલાઓ સ્‍વરોજગારમાં હતી જયારે છુટક મજૂરી કરતી મહિલાઓ ૧૪.૩ ટકા હતી. પણ છેલ્લા છ વર્ષોમાં પરિસ્‍થિતિ બદલાઇ છે. સ્‍વરોજગાર અને છૂટક મજૂરીમાં મહિલાઓની ભાગીદારી ઘટી છે જયારે નોકરીમાં લગભગ દસ ટકા વધી છે.

મહિલાઓની સરખામણીમાં પુરૂષોની ભાગીદારી અત્‍યંત ધીમી ગતિએ વધી છે. કામ કરનારા શહેરી પુરૂષોમાંથી ૪પ.૭ ટકા નોકરી, ૩૯.ર ટકા સ્‍વરોજગારી અને ૧પ.૧ ટકા છૂટક મજૂરી કરે છે. છેલ્લા છ વર્ષોમાં પુરૂષોની ભાગીદારીમાં ફકત બે ટકાનો વધારો થયો છે.

(4:28 pm IST)