Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

વરસાદની દેશવ્યાપી ઘટ ૪૩ ટકા 'વાયુ' વાવાઝોડાને કારણે થયો વરસાદ

ચોમાસુ મ.પ્રદેશ,ગુજરાત, રાજસ્થાન, પૂર્વી યુપીમાં પહોંચી જવું જોઇતું હતું પણ હજુ મહારાષ્ટ્ર પણ નથી પહોંચ્યુ

નવી દિલ્હી, તા.૧૭: મૌસમ વિભાગ અનુસાર દેશભરમાં બધુ મળીને ચોમાસુ વરસાદમાં ૪૩ ટકાની ઘટ નોંધાઇ છે. સાથે જ વિભાગે કહ્યું છે કે વાયુ ચક્રવાતના નબળા પડવાના કારણે ચોમાસુ બે-ત્રણ દિવસમાં ઉત્તર ભારત પહોંચી શકે છે.

મૌસમ વિભાગના સેન્ટ્રલ ડીવીઝન અનુસાર, મધ્યપ્રદેશ ગોવા, મહારાષ્ટ્ર, છતીસગઢ અને ઓરિસ્સામાં ૫૯ ટકાની વરસાદી ઘટ નોંધાઇ છે. જયારે પૂર્વ તથા ઉત્તર પુર્વ ભારતમાં વરસાદમાં ૪૭ ટકાની ઘટ આવી છે. પશ્ચિમી વિસ્તાર, પૂર્વી મધ્યપ્રદેશ તથા છત્તીસગઢમાં આ ઘર અનુક્રમે ૭૫,૭૦, અને ૭૨ ટકા રહી છે. વિદર્ભમાં વરસાદમાં ૮૭ ટકાની ઘટ નોંધાઇ છે.

મૌસમ વિભાગના વૈજ્ઞાનિકો અનુસાર અત્યાર સુધીમાં ચોમાસુ મધ્ય ભારતના મોટા ભાગના વિસ્તારો-મધ્યપ્રદેશ, રાજસ્થાન, પૂર્વી ઉત્તરપ્રદેશ તથા ગુજરાત પહોંચી જવું જોઇતુ હતું. પણ હજી તે મહારાષ્ટ્ર સુધી પણ નથી પહોંચ્યું. ચોમાસુ હજુ સુધી દક્ષિણ ભારતના મેંગલુરૂ અને ઉત્તર પૂર્વી ભારતના અગરતુલા સુધી જ પહોંચ્યુ છે.

મૌસમ વિભાગ અનુસાર દેશના પશ્ચિમ કાંઠાના મહારાષ્ટ્રથી માંડીને ગુજરાત સુધી ચક્રવાતના કારણે વરસાદ પડી રહ્યો છે. ચોમાસાા કારણે ફકત કર્ણાટક અને કેરલમાંજ વરસાદ થયો છે. કેરળમાં ચોમાસુ ૮ જૂને આવ્યું હતું જે પોતાના નિર્ધારીત સમયથી એક અઠવાડીયુ મોડુ પહોંચ્યુ હતું. ચક્રવાત વાયુ હવે નબળુ પડી ગયું હોવાથી હવે બે-ત્રણ દિવસમાં ચોમાસુ જોર પકડશે. આંધ્રપ્રદેશમાં ૧૮ જૂન અને તેલંગાણામાં ૨૦ જૂન સુધીમાં ચોમાસુ આવવાની શકયતા છે.

વિભાગે રવિવારે જણાવ્યા પ્રમાણે આજે ઉત્તરાખંડમાં કરા અને વિજળી પડવાની શકયતાઓ છે. આંધી અને ઝડપી પવનો ૫૦થી ૬૦ કિમીની ગતી પકડી શકે છે. મધ્યપ્રદેશ, છતીસગઢ, જમ્મુ કાશ્મીર, પંજાબ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ તથા પૂર્વ રાજસ્થાન, ઝારખંડ અને બિહારમાં પણ વિજળી પડવાની તથા ૪૦થી ૫૦કિમીની ઝડપે પવન ફુંકાવાની શકયતા છે.

વિભાગે પશ્ચિમ બંગાળ, સિક્કીમ અને ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપી છે સાથે જ અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, કોંકણ, ગોવા, કર્ણાટક, અને ઉતરાખંડમાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે.

(3:10 pm IST)